skip to content

વાંકાનેર: જડેશ્વર મેળામાંથી રાત્રે પરત ફરતા યુવાન પર વડસર તળાવ પાસે દીપડાએ હુમલો કર્યો.

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે ગત રાત્રે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જો કે, મેળાને કારણે ટ્રાફીક સતત ચાલુ હોય અન્ય લોકો આવી જતા યુવાનોનો જીવ બચી ગયો હતો અને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે ત્યારે વાંકાનેરના બે યુવાનો મેળો માણી પરત ફરતા હતા ત્યારે વડસર ડુંગર પાસે દિપડાએ યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારાને માથામાં ઇજાઓ પહોંચતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ વાંકાનેર વન વિભાગના અધિકારી પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું કે, દીપડાએ હુમલો કર્યાની વાત તેમના સુધી પહોંચી છે. જો કે, હુમલો દીપડાએ જ કર્યો છે કે કેમ તે અંગે તબીબી અભિપ્રાય બાદ જ કહી શકાય. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, જે સ્થળે બનાવ બન્યો છે તે વડસર વિસ્તાર તીથવા વિડી વિસ્તારમાં આવે છે જ્યાં દીપડાનો કાયમી વસવાટ છે જેથી દીપડાએ હુમલો કર્યાની વાત નકારી ન શકાય સાથે જ તબીબી અભિપ્રાય અને બનાવ સ્થળની મુલાકાત બાદ જ સાચી હકીકત સામે આવશે.

આ સમાચારને શેર કરો