‘મધર્સ-ડે’ના દિવસે નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખુલ્લા શરીરે તરછોડી દેવાઈ…
મધર્સ ડે…. આ દિવસ અત્યંત અમૂલ્ય છે, પરંતુ રાજકોટની એક નવજાત બાળકી માટે મધર્સ ડેનો દિવસ કરુણતા લઈને આવ્યો. જ્યાં સિવિલ હોસ્પિટલના અનામી પારણા તેને ત્યજી દેવાતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે મધર્સ ડેના દિવસે જ્યારે બાળકો તેમની માતાના વાત્સલ્યને વધાવતા હોય ત્યારે આ દીકરી તેની માતાના પ્રેમ અને હુંફથી અળગી થઈ ગઈ છે.
શનિવારની રાત્રીના 11:00 કલાકે એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની નવજાત બાળકીને લઈને સિવિલ હોસ્પીટલનાં બાળ વિભાગમાં આવ્યો હતો. જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી અને ત્યાંથી આ પુરુષ ફરાર થયો હતો. જે બાદ તબીબોના ધ્યાને આ વાત આવી હતી.
હાલ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. ફૂલ જેવી કોમળ આ બાળકી ‘મધર-ડે’ ના દિવસે પણ માઁ ના વાત્સલ્ય માટે ઝંખે છે. આ મામલે સિવિલ ચોકી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.


