વાંકાનેર મુસ્લિમ સમાજ માટે ગૌરવની ક્ષણ: દારુલ મદીનાહ ઈંગ્લીશ સ્કૂલના શૈક્ષણિક સંકુલનું આજે સંગે બુનિયાદ…
વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પહેલરૂપ દારુલ મદીનાહ ઈંગ્લીશ સ્કૂલના નવા ભવ્ય શૈક્ષણિક સંકુલના સંગે બુનિયાદ (પાયાવિધી) નો કાર્યક્રમ આજે તા. 11 મે, 2026 સોમવારના રોજ ઈશાની નમાઝ બાદ યોજાનાર છે.
અત્યારના સમયની તાતી જરૂરિયાત સમાન આધુનિક અને દીની શિક્ષણના સમન્વય સાથે કાર્યરત દારુલ મદીનાહ ઈંગ્લીશ સ્કૂલ વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજની સૌપ્રથમ ઈંગ્લીશ સ્કૂલ તરીકે ઓળખ ધરાવે છે. સ્કૂલ માટે તીથવા બોર્ડ પાસે ખરીદવામાં આવેલ વિશાળ જમીન પર હવે નવા આલીશાન શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે દાવતે ઇસ્લામીના મુબલ્લિગ દ્વારા ખાસ બયાન કરવામાં આવશે. ત્યારબાદ સાદાતે કિરામ, ઉલમાએ કિરામ, મુબલ્લિગો તેમજ સમાજના આગેવાનોના હસ્તે સંગે બુનિયાદની વિધિ સંપન્ન કરવામાં આવશે.
વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર આ આધુનિક શૈક્ષણિક સંકુલ ભવિષ્યમાં વિસ્તારના વિદ્યાર્થીઓ માટે દીની તેમજ દુન્યવી શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પવિત્ર અને યાદગાર પ્રસંગે ઉપસ્થિત રહી દુઆઓ અને આશીર્વાદથી ભાગીદાર બનવા તમામ આશિકાને રસૂલને ખાસ દાવત આપવામાં આવી છે.

