ખાણખનીજ ફ્લાઈંગ સ્ક્વોડનો મોરબીમાં સપાટો: રૂ. 3.25 કરોડના 11 વાહનો જપ્ત, રૂ. 19.25 લાખનો દંડ વસૂલ
કચ્છથી ખનીજચોરી અને વાંકાનેરમાં ગેરકાયદે ખનન ઝડપાયું
મોરબી: રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા પાંચ દિવસમાં મોરબી જિલ્લામાં મોટાપાયે કાર્યવાહી કરીને ખનીજચોરી અને ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન કુલ 11 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 3.25 કરોડ થાય છે. આ સાથે, ખનીજચોરી કરતા ઇસમો પાસેથી રૂ. 19.25 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
માળીયા મિયાણા હાઈવે પર ખનીજચોરીના 7 વાહનો કબ્જે
ખાણખનીજ વિભાગના અધિકારી અંકિત ભટ્ટની આગેવાની હેઠળ ફ્લાઈંગ સ્ક્વોડે માળીયા મિયાણા નેશનલ હાઈવે અને મોરબી શહેર નજીક સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. રોયલ્ટી ભર્યા વગર કચ્છમાંથી લાવવામાં આવતા ફાયર ક્લે, ચાઈના ક્લે અને બોલ ક્લે ભરેલા કુલ સાત ડમ્પર પકડાયા હતા.
આ સાત ડમ્પરોની કિંમત રૂ. 2 કરોડ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં ખનીજચોરી કરતા લોકો પાસેથી રૂ. 19.25 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.
વાંકાનેરના સમથેરવામાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ
ફ્લાઈંગ સ્ક્વોડે અન્ય એક સફળ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન થતું હોવાની બાતમી મળી હતી.બનાવ સ્થળેથી એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ચાર વાહનોની કિંમત રૂ. 1.25 કરોડ જેટલી થાય છે. રાજકોટ ખાણખનીજ વિભાગની આ કડક કાર્યવાહીને કારણે વાંકાનેર પંથકમાં ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

