Placeholder canvas

જામનગરમાં જ્યાં મુખ્યમંત્રી હાજર હતા ત્યાં જ કોંગ્રેસ નેતાએ શરીર પર કેરોસિન છાંટ્યું

‘ગાય માતાના હત્યારાઓ તમને ભગવાન માફ નહીં કરે.’
પોલીસની હાજરીમાં જ શહેર કોંગ્રેસ-પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.

આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધું હતું. જોકે આત્મવિલોપન કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.

મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલું પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાઇરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સિટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી વાઇરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભી કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગતા અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો