સૌરાષ્ટ્ર

કુવાડવા રોડ પર બસ પલટી, કંડકટર સહિત 6ને ઇજા…

ઉંડવા માંડલી (મેઘરજ) બોર્ડરથી-જામખંભાળીયા રૂટની બસ ગત મોડી રાત્રે કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર પાસે પલટી ખાઈ જતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. આ ઘટનામાં મુસાફરોને ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કંડકટર સહિત 6 વ્યક્તિને ઈજા પહોંચી હતી.

ઉંડવા માંડલી (મેઘરજ) બોર્ડરથી-જામખંભાળીયા રૂટની એસટી બસ ગત અડધી રાત્રે 3:30થી 04:00 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ઉપર સાત હનુમાનના બ્રિજ ઉપરથી પસાર થતી હતી, ત્યારે અચાનક બસ પલટી ખાઈ જતા મુસાફરો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. બસ પલટી ખાઈ જતા કંડક્ટર અને મુસાફર સહિત 6 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી, જેથી તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત્રે સારવાર લીધા બાદ તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી.

રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતુ કે, ઉંડવાથી જામ ખંભાળિયા રૂટની એસટી બસ ગત મોડી રાત્રે કુવાડવા રોડ ઉપરથી પસાર થતી હતી, ત્યારે અચાનક પલટી ખાઈ જતા તેમાં સાતથી આઠ લોકોને ઇજા પહોંચી છે. જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. STના વિભાગીય નિયામક રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ વધુમાં જણાવ્યું હતું કે, કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે પસાર થતી એસટી બસના ડ્રાઈવર આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા હતા, ત્યારે ડિવાઇડર પર બસ ચડી ગઈ અને બાદમાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઇવર જવાબદાર છે, જેથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અને ત્યારબાદ ખાતાકીય પગલા પણ લેવામાં આવશે.

આ સમાચારને શેર કરો