Placeholder canvas

પ્રેમિકાની લાશ ટ્રોલી બેગમાં નાખી સળગાવી હતી, આરોપી ઝડપાયો

પડધરી પાસેથી મહિલાની સળગેલી લાશનો ભેદ ઉકેલાયો : પ્રેમિકાએ હોટલમાં મેનેજર પ્રેમીને બે તમાચા ઝીંક્યા હતા, જે સહન નહીં થતા ગળું દબાવી પતાવી દીધી હતી

રાજકોટ, : રાજકોટ નજીકમાં પડધરી પાસે ખામટા ગામની સીમમાં ધાર તરીકે ઓળખાતી જગ્યામાંથી ગઇ તા. 9ના રોજ અજાણી યુવતીની હત્યા કરી, સળગાવી દેવાયેલી લાશનાં અવશેષો મળી આવ્યા હતાં રહસ્યનાં આટાપાટા સર્જનાર આ મર્ડરનો ભેદ રાજકોટ રૂરલ, એલસીબી, પડધરી પોલીસ અને એસઓજીએ મળી ઉકેલી લીધો છે.

હત્યાનો ભોગ બનનારનું નામ અલ્પા ઉર્ફે આઈશા વિઠ્ઠલ મકવાણા (ઉ.વ.આશરે 27) હતું અને તે મૂળ અમદાવાદના મોરૈયા ગામની વતની હતી. તેની હત્યા ખુદ તેનાં જ રાજકોટ રહેતા પ્રેમી મેહુલ બેચર ચોટલીયા (ઉ.વ. 32, રહે. આત્મન એપાર્ટમેન્ટ, ફલેટ નંબર 5-4, નવજીવન સ્કૂલ શેરી, નંબર 7, ગાંધીગ્રામ)એ કરી હતી. વોટ્સએપમાં સ્ટેટસ મૂકવા અને ભૂતકાળ બાબતે માથાકૂટ થયા બાદ અલ્પા ઉર્ફે આઈશાએ પ્રેમી મેહુલને તમાચા ઝીંકી દીધા હતાં. જેને કારણે મેહુલે બેડરૂમમાં જ અલ્પા ઉર્ફે આઈશાનું ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કર્યા બાદ તેની લાશ ટ્રોલી બેગમાં ભરી તેને પેટ્રોલ છાંટી સળગાવી નાખ્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ગઇ તા. 9નાં રોજ મોડી સાંજે ખામટા ગામની સીમમાં ધાર તરીકે ઓળખાતી જગ્યામાંથી અજાણી યુવતીની સળગીને ભડથું થઇ ગયેલી લાશનાં અવશેષોમાં ખોપડી, અને હાથ જ મળ્યા હતા. આ ઉપરાંત બેગનો સળિયો મળ્યા હતાં.

પડધરી પોલીસે સરકાર તરફે ફરિયાદી બની હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં પડધરીનાં પીએસઆઈ જી.જે. ઝાલા, રાઇટર યુવરાજસિંહ ગોહિલ સાથે એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા અને એસઓજીની ટીમે પણ ઝુકાવ્યું હતું.

ઘટનાસ્થળ આસપાસનાં સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ કરતી ટીમોને રાજકોટ પાસિંગની હોન્ડા એકોર્ડ કાર શંકાસ્પદ લાગી હતી. તેના નંબરના આધારે કાર માલિક નવનીતની પૂછપરછ કરતાં તેણે કાર સદર વિસ્તારમાં આવેલી હોટલ પાર્ક ઇનનાં મેનેજર મેહુલને વેંચી દીધાની અને કાર હજુ તેના નામે ટ્રાન્સફર નહીં થયાની માહિતી આપતાં પોલીસે મેહુલની પૂછપરછ શરૂ કરી હતી.

એકાદ દિવસ તેણે કાંઇ જાણતો ન હોવાનું રટણ કર્યા બાદ આખરે ઘનિષ્ઠ પૂછપરછમાં વટાણા વેરી નાખ્યા હતા અને ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસને એવી સિલસિલાબંધ કેફિયત આપી હતી કે તેના લગ્ન જામનગરનાં ગુલાબનગર વિસ્તારમા રહેતી પૂજા પરમાર સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી. પૂજા સાથે મનમેળ નહીં થતાં છૂટાછેડા થઇ ગયા હતાં. ત્યારથી પુત્ર પૂજા પાસે છે. જેને કારણે તે એકલો રહેતો હતો. અઢી વર્ષ પહેલાં તે અમદાવાદમાં અનૈતિક ધંધા સંબંધે ગયો ત્યારે અલ્પા ઉર્ફે આઈશા સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ અલ્પા તેને રાજકોટની પાર્ક ઇન હોટલ કે જ્યાં તે મેનેજર છે ત્યાં પણ મળી હતી. ઘીરે-ધીરે અલ્પા સાથેનો સંબંધ ગાઢ બનતાં છેલ્લા દોઢેક વર્ષથી બંને પોતાના ફલેટમાં પતિ-પત્નીની જેમ રહેતા હતા.

જો કે તેમણે લીવ ઇન રિલેશનશીપનાં કોઇ કરાર કર્યા ન હતાં. તેને ત્રણ બહેનો છે. જે હાલ મુંબઈ સાસરે છે. વાર-તહેવારે તેની બહેનો મળવા આવતી હતી. એટલું જ નહીં વીડિયો કોલ પર પણ સંપર્ક કરતી હતી. આ વાત અલ્પાને ગમતી ન હોવાથી અવારનવાર ઝઘડા થતા હતાં. તેની બહેનો સાથેનાં ફોટા તે પોતાનાં વોટ્સએપનાં સ્ટેટસમાં પણ મૂકતો હતો. જે પણ અલ્પાને ગમતું ન હતું. તે અવારનવાર તેને કહેતી કે તમે મારા ફોટા ક્યારેય સ્ટેટસમાં મૂક્તા નથી. જ્યારે તમારી બહેનોનાં ફોટા વારંવાર મૂકો છો. ઉપરાંત અલ્પાને અગાઉ અમદાવાદના એક યુવક સાથે સંબંધ હોવાથી તે મુદ્દે પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા. છેલ્લા ત્રણેક માસથી ઝઘડા વધી ગયા હતા. 2020માં તેની માતાનું કોરોનામાં અવસાન થયું હતું. ગઇ તા. 3ના રોજ તેની માતાનું શ્રાધ્ધ હતું જેથી તેની બહેનો તેના ફલેટે આવી હતી. ત્યારબાદ તેણે અને તેના પિતાએ આ પ્રસૅંગનાં ફોટા પોતપોતાનાં મોબાઈલનાં સ્ટેટસમાં મુક્યા હતાં.

આ વાતને લઇને અલ્પાએ ફરીથી ઝઘડો કર્યો હતો. ગઇ તા. ૬નાં રોજ બપોરે આ બાબતે ઝઘડો વધી જતાં આવેશમાં આવી અલ્પાએ તેને બે તમાચા ઝીંકી દીધા હતા. જેને કારણે તેને ગુસ્સો ચડતાં બેડરૂમમાં જ પલંગ ઉપર અલ્પાને ધક્કો મારી પછાડી તેની ઉપર ચડી ગયો હતો અને તેનું ગળુ ંદબાવી દીધું હતું. પરિણામે તરફડીયા મારી અલ્પાએ થોડીવારમાં દમ તોડી દીધો હતો. ત્યારબાદ તેણે ફલેટમાં પડેલી મોટી ટ્રોલી બેગ લઇ તેમાં અલ્પાની લાશ નાખી દીધી હતી. ત્રણ દિવસ લાશ ફલેટમાં રાખી મૂકી હતી પરંતુ લાશ દુર્ગંધ મારશે તો ભાંડો ફૂટી જશે તેવો ડર લાગતાં ગઇ તા. ૮નાં રોજ લાશને પોતાની કાળા કલરની હોન્ડા એકોર્ડ કારની પાછળની સીટમાં નાખી ખામટા ગામની સીમમાં પહોંચ્યો હતો. જ્યાં લાશ ભરેલી ટ્રોલી બેગ પર સાથે લીધેલા લાકડા ગોઠવી તેની ઉપર પેટ્રોલ છાંટી લાશ સળગાવી નાખી હતી. ત્યારબાદ જાણે કાંઇ ન બન્યું હોય તેમ પોતાના નિત્યક્રમમાં લાગી ગયો હતો.

આ સમાચારને શેર કરો