મોરબી

મોરબીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: નામચીન શખ્સોના 3 મકાન સહિત 4 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

અસામાજિક તત્વો સામે લાલઆંખ: જેલ રોડ અને બોરીચાવાસમાં 642 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

મોરબી: ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે આજે મોરબી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના જેલ રોડ અને બોરીચાવાસ વિસ્તારમાં સરકારી જમીન પર કબ્જો જમાવીને બેઠેલા શખ્સોના ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

ભરત ઉર્ફે બીકે અને જીગરના દબાણો પર તરાપ પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના બોરીચાવાસમાં રહેતા ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા અને જીગર નામના શખ્સો, જેમના વિરુદ્ધ મારામારી અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે, તેમણે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું. આ શખ્સોએ જુદી-જુદી ચાર જગ્યાએ ત્રણ પાકા મકાનો અને એક પતરાની આડસવાળો ડેલો બનાવી સરકારી મિલકત પચાવી પાડી હતી.

65 લાખની જમીન કરાઈ ખુલ્લી આજે સવારથી જ મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી જે.એમ. આલ, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્રણ જેસીબી મશીનોની મદદથી કુલ 642 ચોરસ મીટર જગ્યા પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી અંદાજે ₹65 લાખની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.

આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે: DYSP આ અંગે મીડિયાને માહિતી આપતા ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, “મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા જો સરકારી કે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હશે, તો તેને સાંખી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.”

આ સમાચારને શેર કરો