મોરબી

મોરબીમાં વ્યાજખોરોનો આતંક: 65 હજાર સામે 50 હજાર વ્યાજ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

આધેડને મુદ્દલ રકમ માટે અવાર-નવાર ફોન અને રૂબરૂ ધમકી આપનાર બે વ્યાજખોરો સામે બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ

મોરબી: મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લિલાપર રોડ પર રહેતા એક આધેડે લીધેલી 65 હજારની લોન સામે 50 હજાર જેટલું તો માત્ર વ્યાજ ચૂકવી દીધું હતું, તેમ છતાં વ્યાજખોરોની ભૂખ ન સંતોષાતા તેમણે મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરી આધેડને ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના લિલાપર રોડ પર આવેલી પ્રકાશનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (ઉ.વ. 46) એ વર્ષ 2022 અને 2023 દરમિયાન આરોપી મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ઘનજીભાઈ દેવજીભાઈ જાદવ (બંને રહે. સો ઓરડી, મોરબી) પાસેથી 65,000 રૂપિયા 5% ના વ્યાજે લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં 50,000 રૂપિયા તો માત્ર વ્યાજ પેટે ચૂકવી દીધા છે.

ઉઘરાણીના નામે ધમકીઓનો દોર
હરેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નિર્ધારિત વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીઓ તેમને સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે. આરોપીઓ રૂબરૂ મળીને અથવા ફોન ઉપર અવાર-નવાર ધમકીઓ આપી બાકી નીકળતી મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરતા હતા. સતત મળતી ધમકીઓથી કંટાળીને અંતે તેમણે પોલીસનો સહારો લીધો હતો.

આ સમગ્ર મામલે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે હરેશભાઈ જાદવની ફરિયાદના આધારે મહેશભાઈ જાદવ અને ઘનજીભાઈ જાદવ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 351(2), 351(4), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબતના અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વ્યાજખોરો સામેની આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય પીડિતોમાં પણ જાગૃતિ આવી છે.

આ સમાચારને શેર કરો