વાંકાનેરમાં રાષ્ટ્રભક્તિના સૂર ગૂંજ્યા : 9 શાળાઓની ટીમોએ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો.

ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ-2026નું આયોજન : વિજેતા ટીમો પ્રાંત કક્ષાએ ઝળકશે…

વાંકાનેર : વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, એકતા, શિસ્ત અને સંગીત પ્રત્યેની અભિરુચિ વિકસે તેમજ સામૂહિક ગાન દ્વારા રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ-2026નું ભવ્ય આયોજન વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગીતના સુમધુર સ્વરો સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાઓનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓની કુલ 9 શાળાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હિન્દી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ગીતોની સુંદર, સુમધુર અને ભાવવાહી રજૂઆતો કરવામાં આવી હતી. દેશભક્તિપૂર્ણ ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું.

સ્પર્ધામાં વીસીપરા પ્રાથમિક શાળાએ પ્રથમ, શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયે દ્વિતીય અને માટેલ પ્રાથમિક શાળાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટીમ હવે પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ દ્વારા વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાનની કસોટી કરવામાં આવી હતી, જેમાં કુલ 32 શાળાઓએ ભાગ લીધો હતો. તેમાં વઘાસિયા પ્રાથમિક શાળાએ પ્રથમ, ભેરડા પ્રાથમિક શાળાએ દ્વિતીય અને શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

અંગ્રેજી માધ્યમ વિભાગમાં D.A.V. Calderys Public Schoolએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે માધ્યમિક વિભાગમાં શ્રી કે.કે. શાહ માધ્યમિક વિદ્યાલયે પ્રથમ અને શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.

પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર તમામ શાળાઓને શિલ્ડ તેમજ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, મેડલ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ ચેતનભાઈ જાની દ્વારા આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ, દાતાશ્રી ચેતનભાઈ જાની, સામાજિક સદભાવ વાંકાનેર તાલુકાના પ્રજાપતિ જગદીશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ, વિદ્યા ભારતીના ટ્રસ્ટી વિનુભાઈ રૂપારેલીયા, વિનુભાઈ શાહ, પૂર્વ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળા તેમજ મહિલા કોમર્સ કોલેજના આચાર્ય શીતલબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.

અતિથિ વિશેષોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર અને શિસ્તના મહત્વ અંગે સમજ આપી પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંગીત શિક્ષક મયુરભાઈ ઝાલા તથા સંગીત વિશારદ ડૉ. વિશ્વેશભાઈ પંડ્યાએ નિષ્પક્ષ અને મહત્વપૂર્ણ સેવા આપી હતી. બંને નિર્ણાયકોએ તમામ 9 ટીમોની રજૂઆતોનું સ્વર, તાલ, લય, સમૂહ સંકલન, ઉચ્ચારણ, ભાવ અભિવ્યક્તિ અને સમગ્ર પ્રસ્તુતિના આધારે ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા.

વિજેતા ટીમોના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો અને પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને રાષ્ટ્રભાવનાનો સુંદર પરિચય કરાવ્યો હતો.

કાર્યક્રમના સફળ આયોજનમાં ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખાના હોદ્દેદારો અને સભ્યોની સક્રિય ઉપસ્થિતિ તથા સહયોગ રહ્યો હતો. કોષાધ્યક્ષ દ્વારકાદાસ હરીયાણી, સચિવ રસિકભાઈ ખોરજા, અધ્યક્ષ ચેતનભાઈ ભીંડોરા, મહિલા સહભાગિતા નીતાબેન ભીડોરા, સંપર્ક પ્રમુખ ધ્રુવ ગીરી ગોસ્વામી, ‘ભારત કો જાનો’ના સંયોજક રમેશભાઈ ડાભી તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના સંયોજક દર્શનાબેન જાની અને સહસંયોજક ભાવેશભાઈ ત્રિવેદીએ કાર્યક્રમના સફળ આયોજન માટે મહેનત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને અસરકારક સંચાલન ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખાના મહિલા સદસ્ય મનિષાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખા દ્વારા આયોજિત આ બંને સ્પર્ધાઓ માત્ર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક મંચ પૂરું પાડતી પ્રવૃત્તિ નહીં, પરંતુ તેમના જીવનમાં રાષ્ટ્રપ્રેમ, સામૂહિકતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની સમજ વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ, શિસ્તબદ્ધ અને યાદગાર રહ્યો હતો.

આ સમાચાર શેર કરો

Follow Us on