મોરબી

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને મોબાઈલનો ઉપયોગ નહીં કરવા આદેશ

મોરબી : પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને વર્ગખંડમાં બિનજરૂરી રીતે મોબાઈલ વાપરવાની સરકારના આદેશ મુજબ તેમજ સ્થાનિક કક્ષાએથી અગાઉ મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં તાજેતરમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીની શાળા મુલાકાત સમયે કેટલાક શિક્ષકો બિનજરૂરી ફોનનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ખાસ પરિપત્ર જારી કરી તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તા.18 ઓગસ્ટના રોજ જારી કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લા વિકાસ અધિકારીની શાળા મુલાકાત દરમિયાન કેટલાક શિક્ષકો બિન જરૂરી રીતે વર્ગખંડમાં મોબાઈલનો વપરાશ કરતા હોવાનું ધ્યાને આવતા સમગ્ર જિલ્લામાં તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોને ચાલુ શાળાએ મોબાઈલ નહીં વાપરવા આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં શાળાએ આવતાની સાથે જ શિક્ષકોએ મોબાઈલ ફોન આચાર્ય પાસે જમા કરાવી જરૂરી રજીસ્ટર નિભાવવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પરિપત્રમાં શાળામાં ફરજ દરમિયાન જરૂરત સમયે અને શૈક્ષણિક કામગીરી સમયે મોબાઈલ વપરાશ ઉપર મનાઈ નથી ફરમાવવામાં આવી પરંતુ વર્ગખંડમાં બિન જરૂરી મોબાઈલ નહીં વપરાશ કરવા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. સાથે જ શાળાના આચાર્ય પરિપત્રની અમલવારી ન કરે તો અને જો કોઈ શિક્ષક મોબાઈલ વાપરતા હોવાનું જણાશે તો શિક્ષક, શાળાના આચાર્ય ઉપરાંત લગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે અને શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો