શિક્ષણ જગત લજવાયું: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
બાળકો તારા ભરોસે હતા, તું તો જ્ઞાનનો દીવો હતો,
પણ અફસોસ કે તું તો ખુદ અંધારાનો રસ્તો હતો.
પુસ્તકોના થેલામાં આજે બોટલ છુપાઈ છે,
શિક્ષણની આ દુનિયામાં, આજે માણસાઈ હરાઈ છે.
ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી આવતા ચકચાર | ગ્રામજનો અને નિવૃત્ત આર્મીમેને રંગેહાથ ઝડપી પાડ્યો | તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ
મોરબી: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે મોરબી જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષક નશાની હાલતમાં માસૂમ વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ક્લાસરૂમની અંદરથી જ દારૂની બોટલ મળી આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગત મુજબ, મોરબી-હળવદ હાઈવે પર આવેલા આંદરણા ગામની સરકારી શાળામાં રાજુભાઈ પરમાર નામના શિક્ષક નશાની હાલતમાં હોવાની જાણ ગામના નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ અને મહિલા સરપંચના પતિ નીતેશભાઈ ચાવડાને થઈ હતી. આ બાતમીના આધારે તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા.
તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ શિક્ષક ક્લાસરૂમમાં હાજર નહોતા, પરંતુ ક્લાસરૂમમાં પડેલી એક પ્લાસ્ટિકની બેગ તપાસતા તેમાંથી દારૂની અડધી ભરેલી બોટલ અને પાણીની બોટલ મળી આવી હતી. ત્યારબાદ શાળાના અન્ય રૂમોમાં તપાસ કરતા શિક્ષક રાજુભાઈ પરમાર ઓફિસમાંથી નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી
શાળા જેવી પવિત્ર જગ્યાએ શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ કૃત્યથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે દારૂની બોટલ કબજે કરી શિક્ષક રાજુભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
સવાલોના ઘેરામાં દારૂબંધી
એકતરફ પોલીસ અવારનવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડે છે, ત્યારે બીજી તરફ સરકારી સંસ્થાઓ અને શાળાઓ સુધી દારૂ પહોંચી જવો તે તંત્રની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે. જે શિક્ષકના ખભા પર દેશનું ભવિષ્ય ઘડવાની જવાબદારી છે, તે જ જો નશામાં ધૂત થઈને શાળાએ આવે તો બાળકો પર તેની શું અસર પડશે તે એક ગંભીર ચિંતાનો વિષય છે.

