ટંકારા પોલીસે જુગારમાં ઝડપાયેલા આરોપીને માર માર્યાની રાવ, મોડી રાત સુધી પોલીસ મથકે મેળાવડો

જામીન લેવાની ના પાડતા આરોપીને જેલ હવાલે કરાયાની વિગતો; જુગારની રોકડમાં પણ ગેરરીતિ થયાની ચર્ચાથી સવાલો ઉઠ્યા

ટંકારા : ટંકારા પોલીસ દ્વારા જુગારના કેસમાં ઝડપાયેલા એક આરોપીને માર મારવામાં આવ્યો હોવાની રાવ સાથે મોડી રાત સુધી પોલીસ મથકે લોકોનો મેળાવડો જામ્યો હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ જુગારના ગુનામાં ઝડપાયેલા આરોપીએ જામીન લેવાની ના પાડતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે. સમગ્ર મામલે જુગારની રોકડ રકમમાં પણ ગેરરીતિ થઈ હોવાની ચર્ચા વચ્ચે આ મામલો તપાસનો વિષય બન્યો છે.

મળતી વિગતો મુજબ ટંકારા પોલીસે જુગારની પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરી કેટલાક શખ્સોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા એક આરોપી સાથે પોલીસ મથકે મારામારી થઈ હોવાની રાવ ઉઠી હતી. આ અંગેની જાણ થતાં મોડી રાત સુધી પોલીસ મથકે લોકોનો મેળાવડો જામ્યો હોવાનું જાણવા મળે છે.

દરમિયાન જુગારના કેસમાં ઝડપાયેલા આરોપીએ જામીન લેવાનો ઇનકાર કર્યો હોવાનું અને તેના પગલે તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા થવાની બાકી છે.

આ ઉપરાંત જુગારના કેસમાં કબજે કરવામાં આવેલી રોકડ રકમમાં પણ ધાલમેલ થઈ હોવાની ચર્ચાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે રોકડ રકમ અંગેની આ ચર્ચા હાલ આક્ષેપ અને ચર્ચાના સ્તરે છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સમગ્ર મામલે આરોપીનું મેડિકલ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. મેડિકલ રિપોર્ટ નામદાર કોર્ટ સમક્ષ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી થવાની શક્યતા છે.

હાલ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીને માર મારવામાં આવ્યો હતો કે કેમ, કબજે કરાયેલી રોકડ રકમ અંગેની ચર્ચામાં કેટલી હકીકત છે સહિતના મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલાની હકીકત બહાર આવી શકે છે.

આ સમાચાર શેર કરો

Follow Us on