Placeholder canvas

સુવિધા વિનાના ટંકારા PHCમા એમડી ડોક્ટર ફાળવવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત

By જયેશ ભટાસણા – ટંકારા
૧૭ વરહથી એક લાખની વસ્તીને એક એમડી ડોકટર ન હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને રાજકોટ અને મોરબીના ધક્કા, જિલ્લા પંચાયતના સદસ્યાએ ટંકારાના લોકોની વેદનાને વાચા આપી

ટંકારા તાલુકામાં લાંબા સમયથી એમડી ડોકટર ન હોવાથી ખાસ કરીને ટંકારા પંથકના સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને રાજકોટ અને મોરબીના ધક્કા ખાવા પડે છે. જો કે મોંઘીદાટ હોસ્પિટલની તગડી ફી પરવડે એમ ન હોવાથી આરોગ્ય સુવિધાની જરૂરિયાત સમયે ગરીબ લોકોની કફોડી હાલત થઈ જાય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલતી ટંકારામાં એમડી ડોક્ટરની નિમણુંક કરવા બુલંદ માંગમાં સુર પરોવીને જિલ્લા પંચાયતના સદસ્યાએ ટંકારાના લોકોની હાલાકી દૂર કરવા રાજયમંત્રીને રજુઆત કરી છે.

ટંકારા મહાન વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ હોવાથી તેમના નામની દુહાઈ દઈને ટંકારા દેશભરમાં આદર્શ હોવાનો સુર વ્યક્ત કરાઇ છે. પરંતુ હકીકત એ છે કે ટંકારામાં આજની તારીખે સમ ખાવા પૂરતી પણ આરોગ્ય સુવિધા નથી. દવાખાનું ખુદ દર્દથી પીડાતુ હોય તો દર્દીની હાલત કેવી હશે તે કલ્પના કરો આમ તો બે દશકો થઈ ગયો ટંકારા તાલુકો બન્યો એને પણ ટંકારામાં તાલુકા કક્ષા જેવી કોઈ મહત્વની સુવિધાઓ નથી. તેમાંય આજના ડિજિટલ યુગમાં નાનામાં નાનું ગામ પણ સારી રીતે વિકસી રહ્યું છે. પણ આઝાદી પછી આવડો મોટો ટંકારા તાલુકો સુવિધાની દ્રષ્ટિએ આજે પણ પછાત રહી ગયો છે. ખાસ કરીને ટંકારા તાલુકો મોટો હોવાથી એક કરતાં પણ વધુ એમડી ડોક્ટરની ભારે જરૂરત હોય છે.પણ કમનીસીબી એ છે કે અહીં એક ડોક્ટરના પણ ફાંફા છે.

આજના જમાનામાં પણ તાલુકા કક્ષાએ એમડી ડોકટર ન હોવા તે બાબત શરમજનક છે.આથી છેલ્લા ઘણા સમયથી ટંકારા તાલુકામાં એમડી ડોકટરની નિમણુંક કરવાની માંગણી થઈ રહી છે. તેમાં હવે ભાજપની પેનલના જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન અશોકભાઈ ચાવડાએ પણ સુર પરોવીને આ અંગે રાજયમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજુઆત કરી છે અને ટંકારા તાલુકામાં એમડી ડોકટર ન હોવાથી ગરીબ લોકોને મોટી મુશ્કેલી થતી હોવાથી તાકીદે ટંકારા તાલુકામાં એમડી ડોકટરની નિમણુંક કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચારને શેર કરો