ટંકારા મામલતદાર કચેરીમાં ઓપરેટરોના પગારના મુદ્દે વિવાદ: 7-12ની કામગીરી ઠપ્પ થતાં ખેડૂતો પરેશાન

છેલ્લા ત્રણ મહિનાથી એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટરોને પગાર ચૂકવાયો ન હોવાની રાવ, 7-12, 8-અ અને ઉતરોત્તર નોંધની કામગીરી બંધ થતાં ખેડૂતોને હાલાકી

ટંકારા : ટંકારા મામલતદાર કચેરી ખાતે કમ્પ્યુટર ઓપરેટરોના પગારના મુદ્દે વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટરોને પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાની રાવ છે. જેના પગલે ચાલુ માસની 1 તારીખથી ઓપરેટરોએ કામગીરી બંધ કરી દેતા કચેરી ખાતે 7-12, 8-અ અને ઉતરોત્તર નોંધ કાઢવાની ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

ઓનલાઈન સેવાઓ બંધ રહેતા ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જમીન સંબંધિત વિવિધ કામગીરી માટે 7-12 અને અન્ય ઉતારા જરૂરી હોવાને કારણે ખેડૂતોને કચેરીના ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

ધારાસભ્ય સુધી પહોંચ્યો મામલો

ઓનલાઈન સેવાઓ અટકી પડતા સમગ્ર મામલો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ ધારાસભ્ય દ્વારા ટંકારા મામલતદાર પી. એન. ગોરને તાત્કાલિક ઘટતું કરવા સૂચના આપવામાં આવી હતી.

ત્યારબાદ મામલતદાર દ્વારા એજન્સીના સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં સંપર્ક ન થઈ શક્યો હોવાની માહિતી સામે આવી છે. આ સ્થિતિને પગલે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગે મામલતદાર દ્વારા મોરબી વડી કચેરીને લેખિત જાણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઓપરેટરે પગાર અંગે ગંભીર આક્ષેપ કર્યો

નામ જાહેર ન કરવાની શરતે એક કમ્પ્યુટર ઓપરેટરે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારી ચોપડે દર્શાવવામાં આવતા પગાર કરતાં ઓપરેટરોને ઓછો પગાર ચૂકવવામાં આવે છે અને છેલ્લા ત્રણ મહિનાથી તે રકમ પણ ચૂકવાઈ નથી. ઓપરેટરે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અધિકારી દ્વારા ઓપરેટર ફાળવવા સૂચના અપાઈ હોવાનું જણાવ્યું

આ અંગે મોરબી જિલ્લાના જવાબદાર અધિકારી ચેતનાબેન પરમારનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, એજન્સીને રૂબરૂ બોલાવી તાત્કાલિક ઓપરેટર ફાળવી કામગીરી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

જોકે, હાલ ‘સેવા સેતુ’ અને પ્રધાનમંત્રીના ‘સેવા સંકલ્પ મહોત્સવ’ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા હોવા છતાં ટંકારા કચેરીમાં કામગીરી પૂર્વવત થઈ નથી. જેના કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ પણ કામગીરી ચાલુ રાખવા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો

તાજેતરમાં ટંકારા ખાતે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ દરમિયાન મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે 7-12ના ઉતારા મળી રહે તે માટે રાતોરાત ઓપરેટર બેસાડીને કામગીરી કરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બીજી તરફ, મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે 7-12ના ઉતારા મેળવવા ખેડૂતો પાસેથી પેજ દીઠ રૂ.10 લેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કારણે ટંકારા તાલુકાના ખેડૂતોને આર્થિક નુકસાન થયું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

હાલ ટંકારા મામલતદાર કચેરી ખાતે 7-12 સહિતની ઓનલાઈન કામગીરી હજુ પણ ઠપ્પ હોવાને કારણે ખેડૂતોની મુશ્કેલી યથાવત છે. સમગ્ર મામલે એજન્સી, વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે.

#Tankara #TankaraMamlatdarOffice #712Utaro #Farmers #MorbiNews #TankaraNews #RevenueDepartment #OnlineServices #Khedut #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on