ટંકારા

ટંકારા: હાઈપ્રોફાઈલ જુગાર દરોડા પ્રકરણમાં મોટી કાર્યવાહી : PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ટંકારા : રાજકોટ- મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની બદલી કરાયા બાદ આજે બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળેલી માહિતી મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાની હદમાં આવેલ હોટલ કમ્ફર્ટમા ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તા.25 ઓક્ટોબરના રોજ દરોડો પાડી ઇન્ચાર્જ પીઆઈ વાય. કે. ગોહિલે 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડ્યા હતા.

આ દરોડામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચતા તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી. પરિણામે ગઈકાલે એસએમસીના નિર્લિપ્ત રાય અને કે.ટી.કામરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કમ્ફર્ટ હોટેલ ખાતે પહોંચી અંદાજે 9 કલાક જેટલો સમય તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. ત્યારબાદ આજે દરોડો પાડનાર પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ દરોડા બાદ અગાઉ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલની વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરી નાખી હતી. હવે બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સસ્પેન્શન સાથે પીઆઇ ગોહિલને અરવલ્લી મુકવામાં આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ મહિપતસિંહને દાહોદ મુકવામાં આવ્યા છે.આ પ્રકરણમાં હજુ પણ મોટા ધડાકા થવાની શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો