ટંકારા

ટંકારાના હીરાપર ગામે પાણીના સંપને પાડવામાં સર્જાયો અકસ્માત, સંપ વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને ભારે નુકસાન

મોરબી અપડેટ : ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટિયા પાસે આવેલો એક પાણીનો સંપ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આસપાસના મકાન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ, હીરાપર ગામના પાટિયા પાસે આવેલો પાણીનો સંપ અત્યંત જર્જરિત હાલતમાં હતો. જેને પગલે આજે તેને પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અચાનક સંપ સુનિશ્ચિત જગ્યાએ પડવાને બદલે સામેની બાજુએ ધડાકાભેર તૂટી પડ્યો હતો. સંપ અચાનક ખોટી દિશામાં પડવાને કારણે બાજુમાં રહેલા મકાન અને દુકાનની દીવાલોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત અંદર રહેલી ઘરવખરી અને અન્ય સાજોસામાન પણ નુકસાન પામ્યો હોવાની વિગતો સાંપડી છે. જોકે, આ ઘટનામાં મોટી રાહતની વાત એ છે કે સદભાગ્યે જાનહાનિ ટળી છે. હાલમાં આ સમગ્ર ઘટના અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો