ભેંરડા ગામે તળપદા કોળી સમાજની અગત્યની બેઠક : નવા સામાજિક બંધારણનો અમલ

100થી વધુ ગામોના આગેવાનોની હાજરીમાં સગાઈ, લગ્ન, મામેરું, જાન-વરઘોડા અને લૌકિક પ્રસંગો અંગે મહત્વના નિયમો નક્કી કરાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભેંરડા ગામ ખાતે રવિવારે વાંકાનેર, થાન, ચોટીલા, મુળી તેમજ હળવદ તાલુકાનાં 100 કરતાં વધારે ગામનાં તળપદા કોળી સમાજનાં આગેવાનોની એક અગત્યની બેઠક મળી હતી. સમસ્ત તળપદા કોળી સમાજના નવા બંધારણને લઈને 100થી વધુ ગામોના સમાજના મુખ્ય આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ હતી. સમયની સાથે સમાજમાં સમરસતા જળવાઈ રહે અને સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ તથા દેખાદેખી પર નિયંત્રણ આવે તે હેતુથી બેઠકમાં વિવિધ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન સગાઈ, લગ્ન, મામેરું, જાન, ફુલેકું, વરઘોડો, ગોતીડા તથા લૌકિક જેવા પ્રસંગો માટે નવા નિયમો નક્કી કરી નવું સામાજિક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું.

નવા બંધારણ મુજબ સગાઈ પ્રસંગે વધુમાં વધુ 51 લોકો જ સગાઈ કરવા માટે જઈ શકશે. લગ્ન પ્રસંગે સોનાના દાગીના 3 તોલાથી વધુ નહીં કરાવવાના રહેશે, જ્યારે ચાંદીના દાગીના મહત્તમ 250 ગ્રામ સુધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લગ્ન પ્રસંગે મામેરું બેઠું વધાવવાની પરંપરા અંગે પણ નિયમ નક્કી કરવામાં આવ્યો છે. ફુલેકું, વરઘોડો, જાન કે ગોતીડા પ્રસંગે ડી.જે. લઈ જવા કે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવા નહીં તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

લગ્ન પ્રસંગે જાન પાસેથી શિક્ષણ ફંડ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શ્રીમંત વિધિમાં પણ માત્ર 51 લોકો જ હાજર રહી શકે તેવો નિયમ નક્કી કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત લૌકિક જેવા અશુભ પ્રસંગોમાં પણ સમય અને ખર્ચની બચત થાય તે માટે બેસણું બે દિવસ અને એક દિવસ પાણીઢોર, એમ કુલ ત્રણ દિવસનું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં વાંકાનેર તાલુકા સહિત આસપાસના 100થી વધુ ગામોમાંથી તળપદા કોળી સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં એકતા, સમરસતા અને સમયાનુરૂપ પરિવર્તન આવે તે હેતુથી સર્વસંમતિથી વિવિધ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

બેઠકની વિશેષતા એ રહી કે ઉપસ્થિત સમાજજનોની હાજરીમાં દીકરીઓના વરદહસ્તે તળપદા કોળી સમાજના નવા બંધારણને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આજથી તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.

નવા બંધારણના અમલથી સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને આડંબરને ઘટાડવા સાથે સમાજમાં સમરસતા અને એકતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

Follow Us on