પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન…
ભારત સહિત દુનિયાભરમાં ઉત્તમ તબલાવાદક તરીકે પ્રસિદ્ધી મેળવનાર ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેમની ઉંમર 73 વર્ષની હતી. તેમની તબિયત 15 ડિસેમ્બરે લથડી હતી અને તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનનની પરિવારે પણ પુષ્ટિ કરી છે.
ઝાકિર હુસૈનને ભારતના સર્વોચ્ચ સન્માન પૈકીના પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનો ગ્રૅમી ઍવૉર્ડ પણ એકથી વધુ વાર મળી ચૂક્યા હતા.
ઉસ્તાદ અલ્લારખાં અને બાવી બૅગમના ઘરે 9 માર્ચ, 1951ના રોજ મુંબઈના માહિમમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ખૂબ નાની ઉંમરે જ તેમણે તબલાવાદન શરૂ કરી દીધું હતું. તેમના તબલાવાદક પિતાને કારણે તેમને અતિશય નાની ઉંમરે જ ઘણું ઍક્સ્પોઝર મળ્યું હતું.
12 વર્ષની ઉંમરે તેઓ ગુલામ અલી, આમિર ખાં અને ઓમકારનાથ ઠાકુર સાથે કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. જ્યારે 16-17 વર્ષની ઉંમરે તેઓ રવિશંકર, અકબર અલી ખાં સાથે તબલાવાદન કરતા હતા. ત્યારપછી તેમણે નવી પેઢી એટલે કે હરિપ્રસાદ, શિવકુમાર અને શાહિદ પરવેઝ, રાહુલ શર્મા અને અમાન-અયાન સાથે પણ કાર્યક્રમો કર્યા.
આમ, અલગ-અલગ ચાર પેઢીઓ સાથે તબલાવાદન કરવાને કારણે તેમને વિશાળ અનુભવ મળ્યો. તેમને બોલીવૂડ અને હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી. તેમણે પહેલો પ્રોફેશનલ કાર્યક્રમ 12 વર્ષની ઉંમરે અકબર અલીખાં સાહેબ સાથે આપ્યો હતો.

