Placeholder canvas

હાઈકમાન્ડની સ્ક્રીપ્ટ મુજબ 10 કેબીનેટ તથા રાજયકક્ષાના 14 પ્રધાનોની શપથવિધિ

ગુજરાતમાં ઈતિહાસની પ્રથમ ઘટના; ટોપ ટુ બોટમ નવુ મંત્રીમંડળ : બ્રિજેશ મેરજા સહિત પાંચ સ્વતંત્ર હવાલા સાથેના રાજયકક્ષાના મંત્રી બન્યા

સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણાને કેબીનેટ મંત્રાલય : આઠ પાટીદાર, છ ઓબીસી, ત્રણ એસટી, ક્ષત્રિય, બ્રાહ્મણ તથા એસસીના બે-બે મંત્રીઓ: જૈન સમાજને એક મંત્રીનું પ્રતિનિધિત્વ

રાજકોટમાંથી અરવિંદ રૈયાણી ઉપરાંત સૌરાષ્ટ્રના દેવાભાઈ માલમ સહિત કુલ 9 ને રાજયકક્ષાનું સ્થાન : સૌરાષ્ટ્રમાંથી સાતને મંત્રીપદ: રાજકોટને રાજયકક્ષાથી સંતોષ માનવો પડયો છે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત નો રીપીટ સાથેની થિયરી સાથે નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સરકારની કેબીનેટમાં 10 કેબીનેટ 14 રાજયકક્ષાના મંત્રીઓની આજે શપથવિધિ યોજાઈ હતી અને આ સાથે રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મુકીને ભાજપે એક રેકોર્ડ કર્યો છે. ગત શનિવારે મુખ્યમંત્રીપદેથી શ્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા સાથે જે દિલધડક નાટયાકય રાજકીય ઘટનાક્રમમાં પક્ષે નો રીપીટ થીયરીના સંકેત આપતા જ જે અસંતોષ સર્જાયો હતો અને સીનીયર મંત્રીઓ જે પડતા મુકયા હતા. તેઓની છાવણીમાં ધુંધવાટ હતો તે વચ્ચે પણ ભાજપ મોવડીમંડળે મકકમ રહીને નવા મંત્રીઓની શપથવિધિ સંપન્ન કરી હતી.

ગઈકાલે શપથવિધિ રદ થયા બાદ આજે ફરી રાજભવનમાં મંચ તથા શણગાર સાથે શપથવિધિ યોજાઈ હતી. જેમાં રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યએ કેબીનેટના 24 સભ્યોને હોદા તથા ગુપ્તતાના શપથ લેવરાયા હતા. ભાજપનું આ નવું મંત્રીમંડળ પાટીદાર નેતૃત્વ અને બહુમતી ધરાવતું થયું છે. છતાં તમામને સંતુલીત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. રાજયપાલશ્રી સમક્ષ કેબીનેટ મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, પુર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર, અર્જુનભાઈ ચૌહાણએ હોદા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રાજયકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ પંચાલ, બ્રિજેશભાઈ મેરજા, જીતુભાઈ ચૌધરી, શ્રીમતી મનીષાબેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતા.

રાજયકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઈ પટેલ, શ્રીમતી નીમીષાબેન સુથાર, અરવિંદભાઈ રૈયાણી, કુબેરભાઈ ડીંડોર, કીર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર.સી.મકવાણા, વિનોદભાઈ મોરડીયા અને દેવાભાઈ માલમ એ શપથગ્રહણ કર્યા હતા. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલના ઘટનાક્રમ બાદ મોવડીમંડળ શતર્ક થઈ ગયું હતું અને જે નિર્ણય લીધો છે. તેને સ્વીકારવાનો સ્પષ્ટ સંદેશ પણ મોકલી આપવામાં આવતા ગાંધીનગરમાં એકત્ર થયેલા ધારાસભ્યોની હોસ્ટેલમાં પુરી રાત્રી જબરી ઉતેજના સર્જાઈ હતી.

આજે સવારથી અટકળોના દૌર વચ્ચે જેઓને શપથ લેવા માટે ફોન આવવા લાગતા જ તેમની છાવણીમાં જબરો ઉલ્લાસ છવાયો હતો અને મોવડીમંડળ કોઈ ‘સમાધાન’ માટે તૈયાર નથી તે પણ સંદેશો જતા પુર્વે મંત્રીઓએ વાસ્તવિકતા સ્વીકારી હસતા ચહેરે શપથવિધિમાં હાજરી આપી હતી. શપથવિધિમાં પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તથા પુર્વ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

10 કેબીનેટ મંત્રીઓ

  • રાજેન્દ્ર ત્રિવેદી
  • જીતુ વાઘાણી
  • રાઘવજી પટેલ
  • ઋષીકેશ પટેલ
  • પુર્ણેશ મોદી
  • કનુ દેસાઈ
  • કીરીટસિંહ રાણા
  • નરેશ પટેલ
  • પ્રદીપસિંહ પરમાર
  • અર્જુનસિંહ ચૌહાણ

રાજય કક્ષાના 14 મંત્રીઓ

  • અરવિંદ રૈયાણી
  • બ્રિજેશ મેરજા
  • હર્ષ સંઘવી
  • જગદીશ પંચાલ
  • જીતુ ચૌધરી
  • મનીષા વકીલ
  • નીમીષા સુથાર
  • કિર્તીસિંહ વાઘેલા
  • ગજેન્દ્રસિંહ પરમાર
  • રાજેન્દ્ર મકવાણા
  • કુબેર ડીંડોર
  • વિનોદ મોરડીયા
  • દેવા માલમ
  • મુકેશ પટેલ

રાજયના 33 જિલ્લાઓમાંથી 17 જિલ્લાને મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ

  • સુરત જિલ્લામાંથી 4 મંત્રી
  • અમદાવાદ જિલ્લામાંથી મુખ્યમંત્રી સહિત 3
  • વલસાડ, વડોદરા, ભાવનગર જિલ્લામાંથી બે-બે મંત્રીઓ
  • રાજકોટ, જુનાગઢ, પંચમહાલ, મહિસાગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, નવસારી તથા જામનગર જિલ્લાને એક એક પ્રતિનિધિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નડિયાદના ચીફ ઓફિસરની નિયુકિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નડિયાદના ચીફ ઓફિસર પ્રણવકુમાર સી. પારેખની નિયુકિત કરવામાં આવી છે.

કચ્છ કોરુંધાકોડ:- કચ્છ કોરુંધાકોડ રહી ગયું; વાસણભાઈ આહિરને પડતાં મુકાતાં હવે વિધાનસભામાં અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય કચ્છનું પ્રતિનિધિત્વ કરશે

આ સમાચારને શેર કરો