સુરેન્દ્રનગર: રિવરફ્રન્ટ પર કારના બોનેટ પર બેસી ‘મૂછ મરડવી’ નબીરાઓને ભારે પડી, પોલીસે જાહેરમાં માફી મગાવી
સોશિયલ મીડિયામાં રૌફ જમાવવા સ્ટંટ કરનારા ત્રણ શખ્સોને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો: વીડિયો વાયરલ થયા બાદ એક્શન
સુરેન્દ્રનગર: સોશિયલ મીડિયા પર ફેમસ થવાના અને લોકો પર રૌફ જમાવવાના ચક્કરમાં આજકાલના નબીરાઓ કાયદાનું ઉલ્લંઘન કરતા જરા પણ અચકાતા નથી. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર કારના બોનેટ પર બેસી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકતા નબીરાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આ શખ્સોની અટકાયત કરી તેમની પાસે જાહેરમાં માફી મગાવી હતી.
રીલ્સ બનાવવાનો ક્રેઝ જેલની હવા ખવડાવી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયામાં વાહ-વાહી મેળવવા માટે જોખમી સ્ટંટ કર્યા હતા. જેમાં શખ્સો ચાલુ કારના બોનેટ પર બેસીને મૂછો મરડતા હોવાનો વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા જ વાયરલ થયો હતો. લોકોના જીવ જોખમમાં મૂકતા અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા આ વીડિયો પર પોલીસની નજર પડતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.
પોલીસે શિખવાડ્યો સબક
પોલીસને પડકાર ફેંકનારા આ ત્રણેય નબીરાઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ તેમની અટકાયત કરી હતી. જે વીડિયોમાં તેઓ મૂછો મરડીને રૌફ જમાવતા હતા, તે જ રિવરફ્રન્ટ પર પોલીસે તેમને લાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ નબીરાઓ પાસે જાહેરમાં પોતાની ભૂલ બદલ માફી મગાવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટંટબાજો સામે લાલ આંખ
ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો મૂકનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. સુરેન્દ્રનગર પોલીસે કરેલી આ કાર્યવાહીથી અન્ય સ્ટંટબાજોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સંદેશ આપ્યો છે કે જાહેર રોડ કે રિવરફ્રન્ટ જેવા સ્થળોએ લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં.

