કોરોના મુદ્દે ‘સુપ્રિમ’ ઠપકો મળ્યા બાદ સરકાર દ્રારા આકરા નિર્ણયો લેવાશે?

દિવાળી બાદ ગુજરાત સહિતના ચારેક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક જ વધારો થઈ જતાં સુપ્રીમ કોર્ટે નોંધ લઈ સરકારોને આડે હાથ લીધી હતી. કોર્ટ તરફથી ‘સુપ્રીમ’ ઠપકો મળ્યાના કલાકોમાં જ રાજ્ય સરકારે લગ્નને ‘ફિક્કા’ કરી નાખતો નિર્ણય લઈ પ્રસંગમાં 200ની જગ્યાએ 100 લોકોને આમંત્રિત કરવાનો આદેશ કરી દીધો છે. જો કે હવે લગ્ન જ નહીં પરંતુ અન્ય વ્યવસાયો જેમાં ખાસ કરીને ચા-પાનના ગલ્લાને ‘લોક’ કરવામાં આવે ઉપરાંત રાજ્યની બોર્ડરોને સીલ કરવામાં આવે તેવી અટકળોએ જોર પકડી લીધું છે. આ નિર્ણયો લેવા માટે સરકારમાં અત્યારે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ગમે ત્યારે આદેશ છૂટી શકે છે.

કોરોનાને કાબૂમાં કરવા માટે તમે શું કર્યું ? તેવી ટીપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બરાબરની આડેહાથ લીધી હતી. આ પછી રાજ્યમાં લગ્નની મંજૂરી આપવાનો નિર્ણય પણ કોર્ટને ખૂંચતાં તે વિશે પણ આકરાં વેણ કહીને સરકારને સવાલોના ઘેરામાં મૂકી દીધી હતી. સુપ્રીમના વલણને પારખી જઈ સરકારે સાંજ સુધીમાં જ લગ્નમાં લોકોની ઉપસ્થિતિ પર કાપ મુકતાં 100 લોકોને જ નિયમો સાથે હાજર રહેવા દેવા તેમજ અંતિમવિધિમાં માત્ર 50 લોકોને જ એકઠા થવા માટે મંજૂરી આપતો આદેશ કર્યો છે. બીજી બાજુ રાત્રિકર્ફયુમાં પણ કોઈ પ્રકારની છૂટછાટ નહીં આપવા માટે સરકારે મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

લગ્ન-અંતિમવિધિમાં લોકોની હાજરીમાં કાપ મુક્યા બાદ આવનારા દિવસોમાં હજુ સરકાર મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે જેમાં સૌથી પહેલાં ચા-પાનના ગલ્લાને બંધ કરવાનું પગલું ઉઠાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના પ્રબુદ્ધ નાગરિકો જોઈ રહ્યા છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ગળું ફાડી ફાડીને અપીલ કરવામાં આવી છતાં લોકો ઉપર તેની કોઈ જ અસર પડી ન હોય તેવી રીતે ચા-પાનના ગલ્લે લોકોના ટોળાં એકઠા થવાનું ચાલું રહેતાં ત્યાંથી પણ કોરોના ફૂલ્યો-ફાલ્યો હતો. તંત્ર દ્વારા દુકાન સીલિંગ, દંડ સહિતના પગલાં લેવામાં આવ્યા છતાં તેમા કોઈ ફરકન પડ્યો હોય, જેથી હવે સરકાર દ્વારા ચા-પાનના ગલ્લા થોડા સમય માટે બંધ કરાવવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.

આ ઉપરાંત સરકાર દ્વારા આંતરરાજ્ય વાહનોની અવર-જવર ઉપર પણ રોક લગાવીને રાજ્યની તમામ બોર્ડરો સીલ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ગુજરાત સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જોડાયેલું છે અને અત્યારે આ ચારેય રાજ્યોમાં કોરોના ‘મજબુત’ બનીને હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તે રાજ્યોના લોકોને ગુજરાતમાં આવતાં અટકાવાઈ શકે છે. જો કે આ બધું અત્યારે શક્યતાના દોરમાં છે પરંતુ સંભવત: એકાદ-બે દિવસમાં આ દિશામાં મહત્ત્વનો નિર્ણય જાહેર થાય તેવી શક્યતા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો