ગુજરાતમાં મોટા મુંજીયાસરની સ્કૂલ બાદ ડીસામાં વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા..!!
અમરેલી જેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે જેમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા. ઘટના છે બનાસકાંઠા જિલ્લાની રાજપુર પ્રાથમિક શાળાની.. શાળાના 8 જેટલા બાળકોએ પોતાના હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા. રાજપુર પ્રાથમિક શાળાના આચાર્યની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે.. તેમણે કહ્યું કે તેમને આ અંગે જાણ થતાજ તેમણે TPEOને જાણ કરી હતી. આચાર્યએ આ ઘટનાનું કારણ આપતા કહ્યું કે બાળકોએ અંદરો-અંદર એકબીજાને ચેલેન્જ મારી હતી. તેમણે કહ્યું કે મોબાઇલ ગેમને કારણે આ થયું હોવાનું હોઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બનેલી આવી આ બીજી ઘટના છે.. આની પહેલાની ઘટના બગસરાના મોટા મુંજીયાસરની છે. જ્યાં શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા. ઘટના એમ હતી કે, વિડીયો ગેમના રવાડે ચડેલા ધોરણ 7ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો હતો. જેમાં તેણે એવી લાલચ આપી હતી કે, બાળકો પોતાના હાથમાં કાપા મારશે તો તેને 10 રૂપિયા આપશે. જો વિદ્યાર્થીઓ આવું નહીં કરી શકે તો તેમની પાસેથી 5 રૂપિયા લેશે. આમ અન્ય વિદ્યાર્થીઓમાં વાત પ્રસરતા 12થી પણ વધુ બાળકોએ પોતાના જ હાથમાં બ્લેડથી ઘા માર્યા. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરવાના બદલે મામલો દબાવવા પ્રયાસ કર્યો. તેમણે છાત્રોને એવી સુચના આપી કે, પોતાના ઘરે વાત કરવી નહીં. જેથી બાળકોએ માતા-પિતાથી વાત છૂપાવી હતી.

