Placeholder canvas

વાંકાનેરમાં 2022નું સ્વાગત હળતાળથી : નગરપાલિકાના કર્મચારીઓની હડતાળ

સામાજિક અગ્રણીએ નગરપાલિકાના કર્મી સાથે ગેરવર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ ન નોંધાતા નગરપાલિકાના કર્મચારીઓ વિફર્યો, 160 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા સફાઈ, લાઈટ અને પાણી વિતરણની કામગીરી ઠપ્પ

વાંકાનેર : નવું વર્ષ 2022નું સ્વાગત હળતાળથી થયું છે, વાંકાનેર નગરપાલિકાના એક કર્મી સાથે સામાજિક અગ્રણીએ ગેરવર્તન કર્યું હોવાની પોલીસે ફરિયાદ ન નોંધાતા વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ વિફર્યો હતા અને160 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા સફાઈ, લાઈટ અને પાણી વિતરણની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

વાંકાનેર નગરપાલિકાના સફાઈ, પાણી વિતરણ અને વિજલાઈટના 160 જેટલા કર્મચારીઓએ આજે નવા વર્ષના પ્રથમ દિવસે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. આ કર્મચારીઓના જણાવ્યા મુજબ વકાનેરની આસિયાના સોસાયટીમાં ભૂતિયા નળ કનેક્શન કાપવા મામલે સ્થાનિક અગ્રણીએ વાંકાનેર નગરપાલિકાના કર્મચારી અશોકભાઈ રાવલ સાથે ગેરવર્તન કર્યું હતું. જેમાં 8 ડિસેમ્બરના રોજ સ્થાનિક અગ્રણીએ પાલિકાના કર્મચારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જે તે વખતે પાલિકાના કર્મચારીએ લેખિતમાં ફરિયાદ ઉપરાંત ત્રણ વખત પોલીસ સ્ટેશને જઈને રૂબરૂ નિવેદન નોંધાવ્યું હોવા છતાં આ બનાવની પોલીસ ફરિયાદ જ નોંધતી ન હોય નગરપાલિકાના કર્મચારીઓ ઉકળી ઉઠ્યા હતા.

નગરપાલિકાના કર્મચારીઓએ ત્રણ વખત પોલીસને વિગતવાર આ બનાવનું રૂબરૂ નિવેદન નોંધાવ્યું છે. એક ને એક બાબત માટે ક્યાં સુધી પોલીસ સ્ટેશને ધક્કા કરવા? નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની હોવા છતાં પોલીસે એક મહિનો થવા છતાં આ બનાવની ફરિયાદ ન નોંધાતા વાંકાનેર નગરપાલિકાના 160 જેટલા કર્મચારીઓ આજથી હળતાલ ઉપર ઉતરી ગયા છે.

હડતાળની અસર શુ થશે?
નગરપાલિકાના આ કર્મીઓની ઓચિંતા હડતાળથી શહેરમાં પાણી વિતરણ, સફાઈ અને લાઈટની કામગીરીને માઠી અસર પહોંચશે. આથી હડતાલ લાંબી ચાલી તો વકાનેરવાસીઓને પાણી વિતરણ, સફાઈ અને લાઈટની કામગીરી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

પોલીસ શુ કહે છે?
નગરપાલિકાના કર્મચારીઓના આ આક્ષેપ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કર્મચારીની ફરિયાદ સહીના વાંકે અટકી છે. જેમાં પોલીસે એ કર્મચારીને સહી માટે અનેક વખત પોલીસ સ્ટેશને બોલાવ્યા છે. પણ કર્મચારી સહી કરવા આવતા જ નથી.બાકી પોલીસ ફરિયાદ નોંધવા માટે તૈયાર જ છે. તેવું તેમણે જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો