બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી અજાણી મહિલાએ પીઠમાં ખંજવાળ આવતી હોવાનું બહાનું કાઢ્યું : રૂમમાં જઈ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે બીમાર વૃદ્ધાની ખબર કાઢવાના બહાને આવેલી એક અજાણી મહિલા ઘરમાંથી રૂ.63,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના સંબંધી મનિષાબેન સાથે એક અજાણી મહિલા બીમાર સાસુની ખબર પૂછવા માટે તેમના ઘરે આવી હતી.
દરમિયાન વાતચીત કરતી વખતે અજાણી મહિલાએ પોતાની પીઠમાં ખંજવાળ આવતી હોવાનું તેમજ પાવડર લગાવવો હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ તેણે કપડાં બદલવાની વાત કરી ફરિયાદીના રૂમમાં જવાની પરવાનગી માંગી હતી. મહિલા રૂમમાં ગયા બાદ તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
રૂમમાં એકલી હોવાનો લાભ લઈ મહિલાએ તિજોરી ખોલી હતી અને તેમાંથી બે જોડી સોનાની બુટ્ટી તથા ચાંદીના જાડા સાંકળા સહિત કુલ રૂ.63,000ની કિંમતના દાગીનાની ચોરી કરી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દાગીના ચોરી કર્યા બાદ મહિલા ઘરના સભ્યોની નજર ચૂકવીને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં શોભનાબેન સરાવાડીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેની ઓળખ અને ધરપકડ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
