ટંકારામાં રાજશાહી વખતના રેલવે સ્ટેશન રમણ ભમણ ખંઢેર હાલતમાં ઊભેલો ઈમલો ભવ્ય ભૂતકાળની ચાડી ખાય છે.
રાજશાહી કાળમાં શરૂ થયેલી ટ્રેન સેવાઓને લોકશાહીમાં વેગ મળ્યો હોત તો આજે ટંકારામાં અનેક ટ્રેનો દોડતી હોત
જીનિગ ઉધોગમાં કાઠું કાઢનાર અને સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં હવે રેલવેની તાતી જરૂરિયાત
By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત હવે દંતકથા સમાન લાગે છે. એક મિટરગેજની રેલલાઇન ટંકારાથી ધાટિલા વચ્ચે ચાલતી. પણ આજે રેલવે લાઈન અને જમીનના નામોનિશાન જ રહ્યું નથી. ત્યારે ખખડધજ હાલતમાં ઉભેલુ રેલ્વે સ્ટેશન ટંકારાના ભવ્ય ઈતિહાસની ગવાહી પુરી રહ્યું છે.
આઝાદી પહેલાનુ ટંકારા સાહસી સગવડિયું અને સક્સેસ ઉપર પહોચેલુ નગર હતું. એ વાત કોઈ કહાની નથી પરંતુ અહી ધી-તેલ, ધિરાણની પેઢી સહિતના અનેક રાછપિછ (સગવડ) ધરાવતા મહાજનો વસતા હતા. જેથી મોરબી તળપદની આ રાજધાની પણ બની હતી. મોરબીના રાજા વાધજી ઠાકોર બીજાને ટંકારા માનિતુ નગર હતું. જેના કારણે અહી રાણી મહેલ, નગર ફરતે કિલ્લેબંધી અને ઉધોગ માટે પુરતું પ્રોત્સાહન પુરૂ પાડી જીનીંગ ઉદ્યોગ શરૂ કર્યો હતો. પરંતુ જેવુ રાજાશાહી મટી આઝાદીનુ ટંકારા બન્યું કે તરત ટિલાવાળુ ટંકારા તરીકે કલંકિત થતું ગયું. જેમા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એમડી ડોક્ટર, માર્કેટ યાર્ડ, જીનિગ મિલો, તેલના ધાણા, મેડિકલ કોલેજ, સ્થાનિક રહીશો અને અનેક જરૂરિયાત વાળી સેવા માઈગ્રેટ થઈ (કે અલોપ થઇ) જતા ગામ જાણે વેરાન બની રહી ગયુ છે. જેનો જીવતો જાગતો દાખલો નગરનુ રાજાશાહી વખતનુ રેલવે સ્ટેશન પણ છે.
વાધજી ઠાકોરે મોરબીમાં ઈ. સ. ૧૮૮૪ની સાલમાં સૌ પ્રથમ વખત રેલવે પાટા નાખવા માટેનુ ખાતમુહૂર્ત કર્યુ હતું.જે વઢવાણથી મોરબી એક મિટરગેજ ફાટા માટે હતુ. જેનુ કામ માત્ર બે વર્ષની અંદર પુરૂ થયું હતું અને ૧૮૮૬મા પહેલીવાર ટ્રેન મોરબી અંદર દોડી જેનો ખર્ચ ૨૪ લાખ થયો હતો ત્યારબાદ વઢવાણથી રાજકોટ ફાટા શરૂ કરવામાં આવ્યા હતા અને એક ફાટો થાનગઢ અને ચોટિલા સુધી લંબાવ્યો એક ફાટો ધાટિલાથી ટંકારા પરંતુ ટંકારાથી રાજકોટ ફાટો રાજવીઓના કાયદાકીય દાવપેચમાં ફસાઈ જતા પડતો મુકવામાં આવ્યો હતો. જેથી ટ્રેન ટંકારાથી પાછી ફરી મોરબી જતી આવુ ધણા વર્ષો ચાલ્યું પરંતુ અંતે રેલ સેવા લુપ્ત થઈ જતા ફાટો બંધ થઈ ગયો છે.
જો કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ટંકારા આવ્યા હતા ત્યારે આર્યસમાજ દ્વારા રેલ્વે સેવા શરૂ કરવા માંગ કરી હતી. આથી તે સમયે મુખ્યમંત્રીએ કેન્દ્ર હસ્તક રેલવે હોવાનું જણાવી એની જવાબદારીમાથી હાથ ખંખેરી લીધા હતા. ત્યારે હવે કેન્દ્રમા મોદી સરકાર બની છે. આથી ટંકારામાં રેલવે શરૂ થવાની આશા જાગી હતી. પણ અફસોસ હજુ સુધી આવી આશા સાકાર થઈ નથી.
ટ્રેન બંધ થવા પાછળનું કારણ એક છે કે, દેશ આઝાદ થયો ત્યારે નવા ધોરીમાર્ગ બનાવવાના શરૂ થયા અને રાજકોટ મોરબી વાયા ટંકારા રોડ ૧૯૬૮મા બનતા અહીંથી ટ્રકોની અવરજવર વધી જેથી ટ્રેનની જગ્યાએ ગામ ગામતરે કે ખરીદી માટે આડા વાહનોમાં મુસાફરી કરતા રેલગાડી રઝળી પડી હતી અને અંતે ૧૯૭૬માં આ ફાટો બંધ થઈ ગયો હતો. જે નગરજનોને ભુલનો રહી રહીને અહેસાસ થયો જેનો આજે પણ નગરજનોને રેલવે સુવિધા નહિ હોવાનો રંજ છે.