સૌરાષ્ટ્ર

ગોંડલ હાઇવે પર એસટી બસની આડી સ્કોર્પિયો નાખી એસઆરપીમેનનું અપહરણ કરાયું.

ગોંડલ હાઇવે પર ભોજપરા પાસે રાત્રીના એકાદ વાગ્યા આસપાસ સ્કોર્પિયો ગાડી આડી નાખી એસટી બસ રોકાવી તેમાં મુસાફરી કરી રહેલા એસઆરપીમેનનું ફિલ્મી સ્ટાઇલથી અપહરણ કરી ગયા હતાં. આ અંગે બસના ડ્રાઇવરે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી અપહ્યુતના સગડ મેળવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

પોરબંદરમાં સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા રાહુલ પુંજાભાઈ પરમાર (ઉ.વ 37) નામના એસટી બસના ડ્રાઇવર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા 9 અજાણ્યા શખસોના નામ આપ્યા છે. રાહુલભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોરબંદર એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઈ તારીખ 11/9/2025 ના રાત્રીના 09:00 વાગ્યા આસપાસ પોરબંદર એસટી ડેપોમાંથી એસ.ટી બસ નંબર જીજે 18 ઝેડ 1850 લઈ પેસેન્જર ભરી ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. બસમાં કંડકટર તરીકે સુરેશ શામજીભાઈ વાઢેર હતા. બસમાં કુતિયાણા નવા પોલીસ સ્ટેશન ખાતેથી એક મુસાફર બેઠો હતો અને પોતે પોલીસ તરીકેની વાતચીત દરમિયાન ઓળખાણ આપી હતી. તે સીટ નંબર 26 પર બેઠો હતો. રાત્રિના એકાદ વાગ્યા આસપાસ બસ ભોજપરા ગામની આગળ પહોંચતા એક કાળા કલરની સ્કોર્પિયો કાર બસની ડાબી સાઈડથી ઓવરટેક કરી આગળ અચાનક બ્રેક મારી બસને ઉભી રખાવી દીધી હતી.

બસ ઉભી રાખતા સ્કોર્પિયો ગાડીમાંથી અજાણ્યા વ્યક્તિ ઉતરી કંડકટર પાસે આવી પોરબંદર એલસીબી પોલીસ તરીકે ઓળખાણ આપી બસમાં ગુનેગાર છે તેને તપાસ કરવાની છે તેમ કહી બસમાં ચડી ગયો હતો. દરમિયાન સ્કોર્પિયો ગાડીમાંથી બીજા પાંચ થી સાત લોકો પણ ધોકા લઇ બસમાં ચડી ગયા હતા અને આ બધા લોકો પૂછવા લાગ્યા હતા કે સંજય ક્યાં છે? તેવામાં 26 નંબરની સીટ પર બેઠેલ મુસાફર સાથે ખેંચ ખેંચી કરવા લાગ્યા હતા. પરંતુ મુસાફર નીચે ના ઉતરતો હોય જેથી આ અજાણ્યા શખસો મારામારી કરવા લાગ્યા હતા. દરમિયાન બસમાં બેઠેલ અન્ય મુસાફર તથા કંડકટર મોબાઈલમાંથી વિડીયો ઉતારવા જતા આ શખસોએ કહ્યું હતું કે, કોઈ પણ ફોટો કે વિડીયો ઉતારતા નહીં નહિતર મજા નહીં રહે એવી ધમકી આપી હતી. જેથી બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. તેમજ આ શખસો કહેતા હતા કે, કોઈને ફોન કરતા નહીં નહીંતર જીવતા રહેશો નહીં એવી ધમકી આપી હતી.

કંડક્ટર સ્કોર્પિયોની ગાડીની નંબર પ્લેટનો ફોટો પાડવા જતા એક શખસે આડા રહી નંબર પ્લેટ કાઢી લીધી હતી. બાદમાં સીટ નંબર 26 પર બેઠેલ સંજયભાઈ પોલીસવાળાને બસમાંથી ઢસડી નીચે લઈ જઈ જય સ્કોર્પિયો ગાડીમાં નાખી દીધેલ ત્યારબાદ ગાડી યુ-ટર્ન મારી ગોંડલ તરફ જતા રહ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદી બસના ડ્રાઇવર ડેપો મેનેજરને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અપહ્યુત યુવાનની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો