ચોટીલા હાઇવે પર SMCએ પશુ આહારના ખોખા નીચે સંતાડેલો ₹72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
💰 ₹87.83 લાખનો મુદ્દામાલ જપ્ત: હોટલ બાલદેવના પાર્કિંગમાંથી ટ્રક સાથે એક આરોપી પકડાયો, 3 ફરાર
સુરેન્દ્રનગર: સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં દારૂના નેટવર્ક પર બે મોટી રેડ કરીને ખળભળાટ મચાવી દીધો છે. ચોટીલા હાઇવે પર આવેલી હોટલ બાલદેવના પાર્કિંગમાં ઊભેલી એક ટ્રકમાંથી SMCએ મોટા પ્રમાણમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
🔎 પશુ આહારની આડમાં દારૂની હેરાફેરી
પોલીસને મળેલી બાતમીના આધારે SMCની ટીમે પાર્કિંગમાં પડેલી શંકાસ્પદ ટ્રકની તલાશી લીધી હતી. ટ્રકમાં ઉપરના ભાગે પશુ આહારના ખોખા (બોક્સ) ભરેલા હતા, જેની નીચે તપાસ કરતાં અલગ-અલગ કંપનીની પરપ્રાંતીય દારૂની બોટલોનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
🍷 જપ્ત કરાયેલો મુદ્દામાલ અને આરોપીઓ
પોલીસે ટ્રકમાંથી કુલ 6,550 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત આશરે ₹72.05 લાખ આંકવામાં આવી છે. ટ્રક અને દારૂ સહિત પોલીસે કુલ ₹87.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
SMC એ રેડ દરમિયાન એક આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. જોકે, અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમની શોધખોળ SMC દ્વારા સઘન રીતે હાથ ધરવામાં આવી છે.
❓ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં SMC એ એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો પરપ્રાંતીય દારૂ ઝડપી પાડતાં, આટલા મોટા જથ્થાની હેરાફેરી સામે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. SMC દ્વારા પકડાયેલા આરોપીની પૂછપરછ કરીને આ દારૂના નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

