મોરબી

મોરબી: શક્ત શનાળામાં દારૂના કટિંગ વખતે જ એસએમસીનો દરોડો, 1.12 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપી પકડ્યા.

એસએમસીએ દરોડો પાડી રાજસ્થાની શખ્સોનુ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો

મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે સાંજના સમયે મોરબીના શક્ત શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ રેઇડ પાડી 76 લાખથી વધુ કિંમતની 17514 દારૂની બોટલ સહિત 1.12 કરોડના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લઈ વિદેશી દારૂના હોલસેલ ધંધાનોનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે સીટી એ ડિવિઝનમા ગુન્હો દાખલ કરી સાત શખ્સોને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એ.વી.પટેલની ટીમે ગઈકાલે સાંજે શક્ત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ એક ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી મુકેશ મહેન્દ્ર કુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ્ર ગોદારા, દિનેશ પ્રેમરામ ગુરુ અને પ્રવીણ ભગીરથરામ વારાડ રહે.તમામ રાજસ્થાન વાળાઓને વિદેશી દારૂની 17514 બોટલ કિંમત રૂપિયા 76,39,092, ત્રણ વાહનો કિંમત રૂપિયા 35,30,000, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 અને રોકડા રૂપિયા 5120 સહિત કુલ રૂપિયા 1,11,94,212 સાથે ઝડપી લઈ વિદેશી દારૂના નેટવર્કને ખુલ્લું પાડ્યું હતું.

આ દરોડા દરમિયાન આરોપીઓની પૂછતાછમાં અન્ય સાત આરોપીઓની સંડોવણી સામે આવતા આરોપી અશોક પૂર્ણાંરામ પુવાર, કમલેશ હનુમાનરામ રામ, મહેશ ચૌધરી, ટ્રેલર ટ્રકનો માલિક અને ડ્રાઇવર, અશોક લેલન્ડ બડા દોસ્તનો માલિક અને દારૂનો જથ્થો મોકલનાર શખ્સને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં સ્થાનિક ઇસમોની સંડોવણી હજુ સુધી ખુલ્લી પડી નથી. દારૂ મંગાવનાર અને ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર તમામ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે ત્યારે શક્ત શનાળામાં ગોડાઉન ભાડે રાખવામાં કોની કોની સંડોવણી છે અને ગોડાઉન માલિકની સંડોવણી છે કે કેમ તે સહિતની બાબતો હવે સ્પષ્ટ બનશે.

આ સમાચારને શેર કરો