ગુજરાત

થાનગઢમાં એસએમસીનો દરોડો: 1.35 કરોડનો દારૂનો જથ્થો જપ્ત

આજે થાનગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી વિદેશી દારૂનાં નેટવર્કનો પર્દાફાશ કરતા સ્થાનીક પોલીસ અને લોકલ ક્રાઈમ ટીમમાં દોડધામ મચી છે. એમસીએ 1.35 કરોડ જેવી મોટી રકમનો વિદેશી દારૂ ઝડપી લેતા સ્થાનીક પોલીસમાં હલચલ મચી જવા પામી છે. સ્થાનીક પોલીસની કામગીરી સામે વેધક સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ થાનગઢમાં આજે દારૂનો જથ્થો મોટી માત્રામાં ઉતર્યો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળતા બાતમી સ્થળે દરોડો પાડી દારૂની કટિંગ થાય તે પહેલા વિદેશી દારૂનો રૂા.1.35 કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂના મોટા જથ્થા 8 બુટલેગરોને ઝડપી લઈ ગુનો નોંધાવતા જિલ્લાભરનાં બુટલેગરો ફફડી ઉઠયા છે. બીજી તરફ થાનગઢમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ એસએમસીની ટીમને હાથ લાગતા સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

થોડા સમય પહેલા પણ એસએમસીએ ચોટીલામાં દરોડો પાડી 1.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ જિલ્લામાં આજે ફરી થાનગઢમાં દરોડો પાડી રૂા.1.35 કરોડનાં મુદામાલ સાથે 8 બુટલેગરોને ઝડપી લેતા સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગયો છે.

છેલ્લા ઘણા સમયથી થાનગઢ અલગ-અલગ 20 જેટલા સ્થળોએ દારૂનું વેચાણ થતુ હોવાની ચર્ચા હોવા છતાં સ્થાનિક પોલીસની મીઠી નજર તળે દારૂની પ્રવૃતિ બેફામ બની હોય તેવા સમયે આજે થાનગઢમાં એમએમસીએ રેઈડ પાડી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરતા દારૂના ધંધાર્થી-બુટલેગરો ફફડી ઉઠયા છે. આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થનાર હોવાની ચર્ચા જાગી છે.

આ સમાચારને શેર કરો