વાંકાનેર: યુવકનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મૃત્યુ
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પેટાપરા એવા ગાત્રાળનગર ગામે ગઈકાલે બપોરે એસિડ પી જનાર એક યુવકનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળેલ માહિતી મુજબ ગાત્રાળનગરના મનીષભાઈ ભરતભાઇ ચાવડાએ ગઈકાલે બપોરે આશરે ૧ વાગ્યાની આસપાસ પોતાના ગામમાં એસિડ પી લીધું હતું. આ ઘટના બાદ તેમને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલતને કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે આશરે ૭:૩૦ વાગ્યાની આસપાસ મનીષભાઈનું મૃત્યુ થયું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક મનીષ ૪ ભાઈ અને ૨ બહેનમાં સૌથી મોટો હતો. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેઓ સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. યુવકના આ આત્મઘાતી પગલાં પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. આ કરૂણ ઘટનાને પગલે ચાવડા પરિવાર પર શોક છવાયો છે.

