આમાં ભરોસો કોનો કરવો? ઘરમાંથી પુત્ર,પુત્રી અને પ્રેમી લાખોના દાગીના ચોરી ગયા…
લાલચનું લોહી’: પુત્ર-પુત્રીને પ્રેમીનો રંગ લાગ્યો, સગા પિતાના ઘરમાંથી રૂ. ૮.૨૦ લાખના દાગીના ચોરી મુંબઈ વેચી માર્યા!
જેતપુર: જેતપુર શહેરના બાપુના વાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા એક પિતાના ઘરમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીમાં તેમના જ સગીર પુત્ર, પુત્રી અને પુત્રીના પ્રેમીની સંડોવણી ખુલી છે.
શું છે સમગ્ર ઘટના?
બાપુની વાડી, અભિષેક સ્કૂલ પાસે રહેતા વસંતભાઇ ઉર્ફે મુનાભાઈ પ્રભુદાસભાઈ ગોંડલીયા (ઉ.વ. ૪૭)એ ૪ ઓક્ટોબરના રોજ પોતાના ઘરમાંથી કુલ રૂ. ૮,૨૦,૨૫૦ની કિંમતના દાગીનાની ચોરી થયાની ફરિયાદ જેતપુર સિટી પોલીસમાં નોંધાવી હતી.
ક્યારે બહાર આવી ચોરી? પિતા વસંતભાઈ તેમના પિતાના લોખંડના ટ્રંકમાંથી મકાનના દસ્તાવેજો શોધી રહ્યા હતા, ત્યારે તેમને ટ્રંકમાં રાખેલા આશરે રૂ. ૧,૬૦,૨૫૦ના દાગીના ગાયબ જણાયા હતા. વધુ તપાસ કરતાં તેમના પોતાના રૂમના કબાટની તિજોરીમાંથી પણ રૂ. ૬,૬૦,૦૦૦ની કિંમતના સોનાના દાગીનાના ખાલી બોક્સ મળ્યા હતા.
સંતાનોની પૂછપરછ: આટલી મોટી ચોરી થતાં વસંતભાઈ અને તેમના પત્નીએ સંતાનોની કડક પૂછપરછ કરી. ત્યારે પુત્ર મંયક (૧૬ વર્ષ) અને પુત્રી ઋત્વી (૨૧ વર્ષ) ભાંગી પડ્યા અને કબૂલાત કરી કે તેઓએ છેલ્લા બે મહિનામાં કટકે-કટકે આ દાગીનાની ચોરી કરીને ઋત્વીના પ્રેમી કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડીયાને આપ્યા હતા.
રાજકોટ કનેક્શન ખુલ્યું, ચોથો આરોપી ઝડપાયો
ફરિયાદ નોંધાયા બાદ જેતપુર સિટી પોલીસે તુરંત તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, પ્રેમી કેતન ઉર્ફે અજય ભાવડીયાએ ચોરીના દાગીના રાજકોટમાં રહેતા તેના મિત્ર અભય વિનુભાઈ ગોહિલની મદદથી મુંબઈમાં વેચી દીધા હતા. આ માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી અભય ગોહિલની પણ ધરપકડ કરી લીધી છે.
ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર
પોલીસે આજે પુત્રી ઋત્વી, તેના પ્રેમી કેતન ઉર્ફે અજય અને નવા પકડાયેલા સાગરિત અભય ગોહિલને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય પુખ્ત વયના આરોપીઓના વધુ પૂછપરછ અને મુદ્દામાલની રિકવરી માટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસમાં સામેલ સગીર પુત્ર મંયકને કાયદાકીય પ્રક્રિયા મુજબ બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.પોલીસ હવે ચોરીના મુદ્દામાલને મુંબઈથી પરત મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને રિમાન્ડ દરમિયાન આ કિસ્સામાં અન્ય કોઈ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

