ધાર્મિક

આજે સંવત્સરી – ક્ષમાપણા અને આત્મશુદ્ધિનો પાવન તહેવાર

જૈન ધર્મમાં પર્વાધિરાજ પર્વ એટલે પ્રયુષણ પર્વ….અને આ પર્યુષણ પર્વ માં આઠ દિવસ વિવિધ ધર્મક્રિયાઓ કરી આત્મશુદ્ધિ કરવામાં આવે છે. શક્ય તેટલા તપ કરવામાં આવે છે.એકાસણું,ઉપવાસ,બે ઉપવાસ(છઠ્ઠ) ત્રણ ઉપવાસ(અઠ્ઠમ) છ ઉપવાસ,આઠ ઉપવાસ,૧૬ ઉપવાસ અને માસ ક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા પણ કરવામાં આવે છે. જૈન સંતો,મહાસતીજીઓ પણ વ્યાખ્યાન દ્વારા શ્રાવકો શ્રાવિકા ઓને ધર્મના બોધ પાઠ આપે છે.સાથે સાથે ધાર્મિક ક્રિયાઓ દેવ દર્શન,પૂજા,સામયિક,તથા દિવસનું અને રાત્રિનું પ્રતિક્રમણ વગેરે અત્યંત ભક્તિ થી જૈનો દ્વારા કરવામાં આવે છે. આ પર્યુષણ પર્વનો સૌથી મહત્વનો દિવસ…એટલે છેલ્લો સંવત્સરીનો દિવસ…આ દિવસે સાંજના પ્રતિક્રમણ કરતા પેહલા જ “નામી અનામી સૌ ને જાણતા અજાણતા મન,વચન અને કાયા ના યોગથી કોઇપણ પ્રકારે દુઃખ પહોંચાડ્યું હોય તો તેમની માફી માંગવામાં આવે છે. શ્રી અરિહંત ભગવંતો તથા અનંતા શ્રી સિધ્ધ ભંગવંતોની સાક્ષીએ મન,વચન અને કાયાના યોગથી ત્રિવિધે ત્રિવિધે ખરા હ્રદય પૂર્વક માફી માંગવામાં આવે છે.મિચ્છામિ દુક્કડમ 🙏કહેવામાં આવે છે.અને પછી બધા જ દેરાવાસી અને સ્થાનકવાસી જૈન ભાઈઓ.. બહેનો પ્રતિક્રમણ કરી પોતાનાથી થયેલા જાણતા અજાણતા તમામ પાપ અતિચારોની ભગવાનની સાક્ષીએ માફી માંગે છે.સંવત્સરી પ્રતિક્રમણનું મહત્વ જૈન ધર્મમાં ખૂબ જ મહત્વનું છે.

જૈન સમાજના ધાર્મિક જીવનમાં સંવત્સરીનો દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. દર વર્ષે ભાદરવા સુદ ચૌદશે ઉજવાતો આ પવિત્ર દિવસ જૈન સાધુ-સાધ્વીઓના પર્યુષણ પર્વનો અંતિમ દિવસ ગણાય છે. આ દિવસે સમગ્ર સમાજ “ક્ષમા”ને ધર્મ માને છે અને હૃદયપૂર્વક એકબીજાની સામે મિચ્છામી દુક્કડમ્ કહીને ક્ષમાયાચના કરે છે.

સંવત્સરીનું મહત્ત્વ

👉 સંવત્સરી માત્ર તહેવાર નથી, પરંતુ એ તો આત્મશુદ્ધિ, ક્ષમા, અહિંસા અને કરુણાના મૂલ્યોને જીવંત કરતો એક મહાન પર્વ છે.
👉 આ દિવસે જૈન સાધુઓ પ્રતિક્રમણ કરે છે – આત્મચિંતન, સ્વીકાર અને પાપોથી મુક્તિ માટેની વિધિ.
👉 સંવત્સરીમાં ઉપવાસ, ધ્યાન, પ્રાર્થના અને સ્વઅનુશાસન દ્વારા જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયાસ થાય છે.

સમાજમાં ભાઈચારું અને માફીનો સંદેશ આપતા આ દિવસે નાના-મોટા દરેક વ્યક્તિ પોતાના મિત્રો, પરિવારજનો અને ઓળખીતાઓને મિચ્છામી દુક્કડમ્ કહે છે, જેનો અર્થ થાય છે – “જો મારા શબ્દો કે વર્તનથી તમને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરશો.”

આધુનિક સમયમાં સંવત્સરીનો સંદેશ

આજના સ્પર્ધાત્મક અને તણાવભર્યા જીવનમાં ક્ષમા અને શાંતિના મૂલ્યો વધુ મહત્વના બની ગયા છે. સંવત્સરી આપણને શીખવે છે કે…

✅ ભૂલો સૌ કોઈથી થાય છે, પરંતુ ક્ષમા કરવી એ સૌથી મોટો ધર્મ છે.
✅ ક્રોધને છોડીને કરુણાને અપનાવવી એ સાચી માનવતા છે.
✅ એકબીજાને માફી માગવાથી સંબંધોમાં નવી તાજગી અને વિશ્વાસ આવે છે.

સમાજ માટે પ્રેરણા

સંવત્સરીનો તહેવાર જૈન સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ક્ષમા, પ્રેમ અને શાંતિની જીવંત પ્રેરણા છે.
આ દિવસે દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે –
“શું હું મારી અંદરના રોષ, અહંકાર અને દ્વેષને છોડીને નવી શરૂઆત કરી શકું છું?”


✨ આ પવિત્ર સંવત્સરીના દિવસે Kaptaan News સમગ્ર જૈન સમાજને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે અને સૌને સંદેશ આપે છે –
મિચ્છામી દુક્કડમ્ 🙏

શીતલ શાહ (પ્રિન્સિપાલ-મહિલા કોલેજ,વાંકાનેર)

આ સમાચારને શેર કરો