Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છની 19 સુધરાઈમાં વહિવટદાર મુકાયા: કોર્પોરેશન અને પંચાયતમાં પ્રતિક્ષા

મહાપાલિકાઓમાં હાલના કમિશનરોને જ વહિવટદાર મુકવા પડે તેવી સ્થિતિ; સિનીયર સનદી અધિકારીઓની અછત

રાજકોટ: ગુજરાતના રાજ્ય સરકારે ગઇકાલે મોડીરાતે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 19 અને રાજ્યની 51 નગરપાલિકાઓમાં વહીવટદાર તરીકે હાલ ફરજ બજાવતા ચીફ ઓફીસરને વહીવટદારનો ચાર્જ આપી ફરજ સંભાળી લેવાનો આદેશ કર્યો છે. જો કે વહીવટદારે કોઇ નીતિ વિષયક નિર્ણય કરવા નહીં તેવી પણ સ્પષ્ટતા ગઇકાલે મોડી સાંજે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કરેલા આદેશમાં કરી હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની 19 અને 51 નગરપાલિકાઓમાં 14 તારીખથી વહીવટદાર શાસન અમલમાં આવશે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ભુજ, અંજાર અને માંડવી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા પાલિકા, મોરબી જિલ્લાની મોરબી તેમજ વાંકાનેર, રાજકોટ જિલ્લાની ગોંડલ, અમરેલી જિલ્લાની અમરેલી, સાવરકુંડલા, બગસરા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ પાટણ અને ઉના નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ભાવનગર જિલ્લાની મહુવા અને પા્લીતાણા તદુઉપરાંત જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકામાં 14 તારીખથી વહીવટદાર શાસન અમલી કરી દેવામા્ આવશે.

દરમિયાન રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, 51 નગરપાલિકા પૈકીની 22 નગરપાલિકાની મુદત આવતીકાલે પુરી થાય છે. ત્રણ નગરપાલિકાઓની 13 ડીસેમ્બરે, અને 25 નગરપાલિકાઓની 14 ડીસેમ્બરે મુદત પૂરી થવા જઇ રહી છે આ તમામ નગરપાલિકાઓમાં રાજ્ય સરકારે કરેલા આદેશને પગલે હવે વહીવટદાર શાસન અમલ કરી દેવામાં આવ્યું હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર ચીફ ઓફિસર ગીરીષ સરવૈયા

મોરબી જીલ્લામાં મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર તરીકે આ નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો