ટ્રકમાં પિસ્ટન તૂટી જતા રીપેરીંગ બાદ લોખંડનું પાનું ટ્રક નીચે પડ્યું રહ્યું હતું, ટ્રક ચાલુ રાખી પાનું લેવા જતા અચાનક ટ્રક રળવા લાગ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી રિચ સિરામિક ફેક્ટરી ખાતે ટ્રક ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રકના રીપેરીંગ બાદ નીચે પડેલું લોખંડનું પાનું લેવા માટે ટ્રક નીચે ઉતરેલા ટ્રક ચાલક પર અચાનક ટ્રકનું ટાયર ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મળતી વિગતો મુજબ, તા. 24ની રાત્રિના સમયે સરતાનપર રોડ પર આવેલી રિચ સિરામિક ફેક્ટરીમાં RJ-50-GB-1836 નંબરનો ટ્રક લોડિંગ માટે આવ્યો હતો. આ ટ્રક દિલીપભાઈ કાલુરામ પવાર (ઉંમર 19 વર્ષ), રહે. વારની ગામ, મંદસૌર, રાજસ્થાન ચલાવતા હતા.
ટ્રક લોડિંગ કરાવતી વખતે ટ્રકનું પિસ્ટન તૂટી જતા કારીગરને બોલાવી ટ્રકનું રીપેરીંગ કામ કરાવવામાં આવ્યું હતું. રીપેરીંગ બાદ એક લોખંડનું પાનું ટ્રકની નીચે પડેલું રહી ગયું હતું.
આ પાનું લેવા માટે દિલીપભાઈએ ટ્રક ચાલુ રાખીને એર ભરવાની કામગીરી દરમિયાન ટ્રકની નીચે જવાનું નક્કી કર્યું હતું. દરમિયાન ટ્રક અચાનક પાછળની તરફ રળવા લાગ્યો હતો. ટ્રકનું તોતિંગ વ્હીલ દિલીપભાઈ ઉપર ફરી વળતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને અકાળે મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Wankaner #SartanparRoad #Accident #TruckAccident #RichCeramic #WankanerNews #MorbiNews #RoadAccident #KaptaanNews
