24 વર્ષીય શ્રમિકને ગંભીર હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો; પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે તપાસ હાથ ધરી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા એક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મૂળ યુવકના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સરતાનપર ગામની સીમમાં આવેલા એમ્બો કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા ગોબિંદા નબીન હેમરમ (ઉંમર 24 વર્ષ)એ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની બહાર આવેલા એક ઝાડ પર રૂમાલ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં કમલભાઈ નામના વ્યક્તિએ યુવાનને ગંભીર હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને યુવાનના મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
#વાંકાનેર #સરતાનપર #શ્રમિકયુવાન #આપઘાત #MorbiNews #WankanerNews #KaptaanNews
