સૌરાષ્ટ્ર

લો બોલો..,રાજકોટના સાંગણવા ગામમાં બારોબાર તળાવનો સોદો કરી દેવાયાનો આક્ષેપ..!!!

ગુજરાતમાં તળાવને બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ પહેલા દહેગામના બે ગામોની જમીન બારોબાર વેચી મારવી અને વડોદરાના વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ તરફ હવે રાજકોટના સાંગણવા ગામના તળાવને બારોબાર વેચી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સ્થાનિકોએ અધિકારીઓ પર આક્ષેપ સાથે હવે તળાવ બચાવો અભિયાન હાથ ધર્યું છે. આ તરફ અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવ્યો હોવાથી લોકોમાં રોષનો માહોલ છે.

રાજકોટના લોધીકા તાલુકાના સાંગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં કિંમતી જમીન હોવાથી ખોટા દસ્તાવેજો ઉભા કરાયાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરી તળાવની જમીનમાં ખેતી થતી હોવાના ખોટા પૂરાવા ઉભા કર્યા અને તળાવની જમીન પર દૂકાનો બનાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવાયાને આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાનું કૌભાંડ થયું છે. વર્ષ 1987-88માં પાણીની અછત સર્જાતા પંચાયત દ્વારા તળાવનું નિર્માણ કરાયું હતું. જોકે ગ્રામજનોની માંગ છે કે, ત્રણ ગામના તરભેટે બનેલું તળાવ બુરાઈ ન જાય. આ સાથે તેઓ કહી રહ્યા છે કે, ગામમાં નદી કે તળાવની અન્ય કોઈ સુવિધા નથી. આ સાથે ગામના સરપંચ પણ વાતમાં ધ્યાન ન આપતાં હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. જેને લઈ હવે તળાવને બચાવવા ગ્રામજનોએ ‘તળાવ બચાવો અભિયાન’ હાથ ધર્યું છે.

દહેગામનું જૂના પહાડિયા આખેઆખું ગામ પણ વેચી દેવાયું હતું.

દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વસેલુ છે એ જમીનના વારસદારો દ્વારા ગામજનોની જાણ બહાર અન્યને વેચી દેવામાં આવી હતી. પોલીસે સાત જેટલા વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરાયો હોવાથી તકરારી દાખલ કરાઈ છે.

આ સમાચારને શેર કરો