હિરાસર એરપોર્ટ નજીક હીટ એન્ડ રનની ઘટના: વાંકાનેરના રૂપાવટી ગામે રહેતા રૂડીબેન રાઠોડનું મોત.
રાજકોટની ભાગોળે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે વાહનની રાહ જોઈ ઉભેલા વૃદ્ધાને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું. બનાવ અંગે એરપોર્ટ પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર રૂપાવટી ગામે રહેતા રૂડીબેન હરજીતભાઇ રાઠોડ (ઉ.વ.૮૦)નામના વૃદ્ધા. આજે સવારે વાંકાનેર રહેતા તેમના દિકરી વાલીબેનની ખબર કાઢવા જવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતા અને હિરાસર એરપોર્ટ પાસે ઉભા હતા ત્યારે અજાણયો કાર ચાલક વૃદ્ધાને ઠોકરે ચડાવી નાશી છૂટયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ કુવાડવા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકી સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણયા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા અને તેની શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે.

