રાજકોટમાં આંગડિયા પેઢી ખુલ્યાંની દોઢ જ મિનિટમાં 18 લાખ રૂપિયાની લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ: શહેરના ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં આજે થયેલી સનસનીખેજ લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ ગ્રાહક બની આંગડિયા કરાવવાનું હોવાનું કહી પેઢીમાં પ્રવેશ મેળવ્યો અને પેઢી શરૂ થયાની માત્ર દોઢ જ મિનિટમાં જ અંદાજે રૂ. 18 લાખથી વધુની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, બંને લૂંટારૂઓ હથિયાર સાથે આવ્યા હતા. તેમણે પેઢીના સંચાલક અલ્પેશ દવે સાથે મારઝૂડ કરી રોકડ ભરેલો થેલો કબજે કર્યો અને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બંને આરોપીઓ ખુલ્લા ચહેરે પેઢીમાં પ્રવેશતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે.

સામાન્ય રીતે એક આંગડિયા પેઠીની રાજ્યના વિવિધ શહેરોમાં બ્રાંચ હોય છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ આંગડિયા પેઠીની માત્ર બે જ બ્રાંચ છે. તો પોલીસ આ અંગે પણ તપાસ કરી શકે છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB), ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે અને સંચાલક અલ્પેશ દવેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on