વાંકાનેર: તરણોતરના મેળા પૂર્વે દેલડી-થાન તથા લુણસર-થાન માર્ગોની મરામત કરવા રજૂઆત
વાંકાનેર: વાંકાનેર તાલુકામાં નેશનલ હાઈવેથી દેલડી-થાન તથા નેશનલ હાઈવેથી લુણસર-થાન જતાં સ્ટેટ હાઈવેના મુખ્ય માર્ગો ઉપર હાલ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અકસ્માતની સંભાવના પણ વધી રહી છે. આ બંને માર્ગોની તાત્કાલિક મરામત કરવા વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ગોરધનભાઈ સરૈયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ (R&B), મોરબી ડિવિઝનને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, વાંકાનેર તાલુકામાં દેલડી-થાન તથા લુણસર-થાન તરફ જતા સ્ટેટ હાઈવેના મુખ્ય માર્ગો ઉપર હાલ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માત થવાની સંભાવના પણ વધી છે.
આગામી દિવસોમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ ‘તરણોતરનો મેળો’ યોજાનાર છે. મેળા દરમિયાન આ બંને મુખ્ય માર્ગો ઉપરથી પાંચ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો તેમજ શ્રદ્ધાળુઓની અવરજવર થવાની સંભાવના છે. હાલની રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માતનું જોખમ વધવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તરણોતરના મેળો શરૂ થાય તે પહેલાં જ બંને માર્ગોનું સ્થળ નિરીક્ષણ કરી, પડેલા ખાડાઓ પૂરવા તેમજ જરૂરી પેચવર્ક અને મરામતની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
માર્ગોની મરામત સમયસર કરવામાં આવે તો મેળા દરમિયાન વાહનચાલકો તેમજ લોકોને સલામત અને સુગમ પરિવહન મળી રહે અને અકસ્માતો નિવારી શકાય તેવી રજૂઆત સાથે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.


