હવે ગુજરાતમાં રેવન્યુ તલાટી બનવું પણ સહેલું નથી રહ્યું ! ભરતીના નિયમોમાં કર્યા 2 મોટા ફેરફાર…
ગુજરાત સરકારના રેવન્યુ વિભાગે રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારો લાયકાત અને વયમર્યાદાને લગતા છે, જે ભરતીના નિયમોમાં નોંધપાત્ર બદલાવ લાવશે. રેવન્યુ વિભાગ દ્વારા આ સુધારાઓ માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
તલાટીની પરીક્ષા હવે જીપીએસસીની પરીક્ષા સમાન બની રહી છે. હવે પ્રિલિમનરી પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધી શેક્ષણિક લાયકાત ધો. 12 હતી. હવે ગ્રેજયુએટ યુવા જ તલાટીનુ કોર્મ ભરી શકે છે. ગત વખતે એક પરીક્ષા હતી જયારે આ વખતે પ્રિલિમનરી સાથે કુલ ચારેક પરીક્ષા આપવી ફરજિયાત છે. આ બધાય પરીક્ષા નિયમોને લીધે કેટલાંય શિક્ષિતોએ તલાટીની પરીક્ષા આપવાનું ટાળ્યુ છે. ગત વખતે તો તલાટી માટે છ લાખથી વધુ ફોર્મ ભરાયા હતાં.
અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ 12 પાસ લાયકાત જરૂરી હતી, પરંતુ હવેથી ઉમેદવારો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) થવું ફરજિયાત રહેશે. આનો અર્થ એ છે કે માત્ર સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ રેવન્યુ તલાટીની પોસ્ટ માટે અરજી કરી શકશે. આ ફેરફારનો હેતુ ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે.
બીજો મહત્વનો ફેરફાર વય મર્યાદાને લઈને છે. અગાઉ રેવન્યુ તલાટી ભરતી માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હતી, જે હવે વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. આ ફેરફારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે અરજી કરવાની તક મળશે અને વય મર્યાદાના કારણે ઘણા ઉમેદવારોને થતા અન્યાયને દૂર કરી શકાશે.
આ ફેરફાર રેવન્યુ તલાટી ભરતીથી લાગુ થશે. જે ઉમેદવારો રેવન્યુ તલાટી બનવા ઇચ્છુક છે, તેઓએ હવે નવી લાયકાત અને વય મર્યાદાના માપદંડોને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી કરવી પડશે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની શક્યતા છે, પરંતુ તે યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની વધુ તકો પણ ઊભી કરશે.
ઉલ્લેખનીય છે કે, ખાનગી-કરાર આધારિત નોકરીઓમાં થતાં શોષણને લીધે શિક્ષિત યુવાઓ માટે સરકારી નોકરી એક સપનું બની રહ્યુ છે. આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને એમબીએ-ડીગ્રીધારી યુવાઓએ પણ તલાટી બનવામાં રસ દાખવ્યો છે.

