ગુજરાતવાંકાનેર

ગુજરાતમાં અનામત કૌભાંડના તાર વાંકાનેર સાથે જોડાયા : એક જ પિતાના બે પુત્ર, એક OBC અને બીજો ST હોવાના આક્ષેપ

વાંકાનેર : ગુજરાતની સરકારી ભરતી વ્યવસ્થા અને અનામત નીતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે તેવો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના એક જ પરિવારના બે પુત્રોએ અલગ-અલગ જાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી દસ્તાવેજી પુરાવા રજૂ કરીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વસુંધરા ગામના રહેવાસી રેવાભાઈ હમીરભાઈ સરસૈયાના પુત્ર હરેશ રેવાભાઈ સરસૈયા વર્ષ 2015-16ની ભરતીમાં SEBC (OBC) કેટેગરી હેઠળ રેવન્યુ તલાટી તરીકે પસંદગી પામ્યા હતા. જ્યારે તેમના ભાઈ નવઘણ રેવાભાઈ સરસૈયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ST (અનુસૂચિત જનજાતિ) કેટેગરી હેઠળ પસંદગી પામ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આક્ષેપો અનુસાર નવઘણ સરસૈયાએ વર્ષ 2021માં વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા ST અનામત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી. રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે આ મુદ્દે પણ તપાસની માંગ ઉઠી છે.

પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ 7/12 ઉતારા અને અન્ય રેકોર્ડમાં બંને એક જ પરિવારના સભ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે જ પરિવાર પાસે આશરે 15 વીઘા ખેતીલાયક જમીન હોવાનું અને પરિવારના એક સભ્ય સરકારી સેવામાં હોવા છતાં મનરેગા યોજનાના લાભ માટે અરજીઓ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો કરાયા છે.

સમગ્ર મામલે સાચા ST અને OBC ઉમેદવારોના હકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી યુવા સંગઠનો અને રજૂઆતકર્તાઓએ હાઈ-લેવલ વિજિલન્સ તપાસ, સંબંધિત જ્ઞાતિ પ્રમાણપત્રોની ચકાસણી, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી તથા કાયદેસરની તપાસની માંગ કરી છે.

જો કે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. સંબંધિત વ્યક્તિઓ અથવા સરકારી તંત્રનો પક્ષ પણ હજુ જાહેર થયો નથી. હવે સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

આ સમાચારને શેર કરો