વાંકાનેર: વાંકાનેર શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ શ્રી ભાવચંદ્રજી સ્વામીના શેષકાળ દરમિયાન સમગ્ર સંઘમાં ભક્તિ, આરાધના અને ધર્મોઉલ્લાસનો અનોખો માહોલ સર્જાયો હતો. આચાર્ય શ્રીના પાવન સાનિધ્યમાં 16 દિવસની સ્થિરતા દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ તથા યુવાનોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અવસરે પ.પૂ. આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પ.પૂ. ડૉ. શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પ.પૂ. શ્રી વિવેકચંદ્રજી સ્વામી, પ.પૂ. શ્રી અરિહંતચંદ્રજી સ્વામી અને પ.પૂ. શ્રી વર્ધમાનજી સ્વામી સહિત ઠાણા-5ના પવિત્ર સાનિધ્યમાં રોજિંદા વ્યાખ્યાનો, રાત્રિ પ્રવચનો, તપારાધના, પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના તેમજ પાસઠિયા યંત્ર આરાધનાના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યુષણ પર્વ જેવી ઐતિહાસિક ધાર્મિક ભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ શેષકાળ દરમિયાન સાધર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવારે લીધો હતો. ઉપરાંત પ્રભાવના સહિતના વિવિધ ધાર્મિક આયોજનોમાં અનેક દાતાશ્રીઓએ સહર્ષ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સંઘ પ્રમુખ અનંતભાઈ મહેતા, સચીનભાઈ કામદાર, અલ્પેશભાઈ પટેલ, હર્ષદભાઈ પારેખ, ઉપેન્દ્રભાઈ દોશી, ભાવિનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, સચિનભાઈ સંઘવી તેમજ AAA ગ્રુપના કાર્યકરોએ સેવાકીય અને આયોજનની સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી હતી.
કાર્યક્રમ દરમિયાન ગોપાલ સંપ્રદાયના ઉપયોગ સમ્રાટ પૂજ્ય શ્રી ઉત્તમકુમારજી ગુરુદેવનું પણ આચાર્યશ્રી સાથે શુભ મિલન થયું હતું, જે ધાર્મિક સૌહાર્દનું સુંદર દૃશ્ય બન્યું હતું.

ઉપરાંત, આ સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત આચાર્યશ્રીની સ્થિરતા દરમિયાન પૂ. શ્રી વર્ષાજી મ.સા., પૂ. શ્રી તરલાજી મ.સા., પૂ. શ્રી કોમલજી મ.સા., પૂ. શ્રી ઓજસ મ.સા. તથા પૂ. શ્રી ધિરતાજી મ.સા. સહિતના સતીજી ભગવંતોનો પણ લાભ સંઘને પ્રાપ્ત થયો હતો.
આ પવિત્ર પ્રસંગે રાજ્યસભાના સાંસદ તેમજ વાંકાનેરના મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી પણ ગુરુદર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક આસ્થા, સેવા અને સાધનાના ભાવથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
