વાંકાનેર: રાતાવિરડાની સીમમાંથી ₹1.56 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


દારૂનો જથ્થો આપનાર સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવીને રાતાવિરડા ગામની સીમમાં એક રહેણાક ઓરડીમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રાતાવિરડા ગામની સીમમાં આવેલ રહેણાક ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ જપ્ત કરી હતી, જેની કિંમત આશરે રૂ. ૧,૫૬,૦૦૦/- આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી સુરેશભાઈ લખમણભાઈ જમોડ નામના શખ્સને દારૂના જથ્થા સાથે પકડી લીધો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપી સુરેશભાઈ જમોડે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેને રાજુભાઈ ધનજીભાઈ બારૈયા (રહે. ગરામડી, સુરેન્દ્રનગર) નામના શખ્સે પૂરો પાડ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સુરેશભાઈ જમોડ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે અને દારૂ આપનાર રાજુભાઈ ધનજીભાઈ બારૈયાને શોધી કાઢવા માટે કાયદેસરની કાર્યવાહી અને ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો