વાંકાનેર

વાંકાનેર: વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં ‘રાસોત્સવ’ યોજાયો

ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણ” અને “શિક્ષણમાં ભારતીયતા”ના વિચારને અગ્રતા આપતા આ સંકુલના શિશુ મંદિર, પ્રાથમિક અને તમામ માધ્યમિક વિદ્યાલયોમાં દરેક તહેવારો અને પર્વની ઉજવણી કરવાની એક પરંપરા રહી છે. આજ પરંપરાને અનુસરતા શિશુ મંદિરથી ધોરણ 12 સુધીની તમામ વિદ્યાર્થીનીઓ માટે આ ‘રાસોત્સવ’નું આયોજન કરવામાં આવેલ. શક્તિની આરાધના સાથે ગુજરાતની ગરિમા અને અસ્મિતા સમાન ગરબાઓનું કલાત્મક પ્રદર્શન જ્યારે બહેનો દ્વારા પરંપરાગત અને આકર્ષક વસ્ત્રોમાં થયું ત્યારે ખરેખર અદભુત, મનોહર માહોલ સર્જાયો હતો.

તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ‘શ્રેષ્ઠ ખેલૈયા’ઓના 1 થી 3 તેમજ “વેલ ડ્રેસ’ ના 1 થી 3 ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સંકુલના પરિવારજનો તેમજ પધારેલ વિદ્યાર્થીઓના વાલીઓનો રાસ રહ્યો જે સૌ કોઈએ મન ભરીને માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અમરશીભાઈ મઢવી, યુવા સંગઠનના ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા, ટ્રસ્ટી વિનુભાઈ શાહ, કિશોરભાઈ પુજારા, કલ્પેંદુભાઈ મહેતા, દિનેશભાઈ રાવલ, પુષ્કરભાઇ ત્રિવેદી ,દામજીભાઈ પટેલ આ સૌ કોઈ ટ્રસ્ટીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહી અને આર્થિક સહયોગ પણ કરેલ. વાંકાનેર ના Dy. S.P. સારડા પોતે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ પત્રકાર મિત્રોએ પણ પૂરો સમય ઉપસ્થિત રહી ભરપુર સહયોગ આપ્યો હતો.

આમ, શક્તિની આરાધના સાથે, પરંપરાઓને નિભાવતા અને કલાને પ્રોત્સાહન આપતા વિદ્યાભારતી સંકુલના આ પારિવારિક ‘રાસોત્સવે’સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. સંપૂર્ણ કાર્યક્રમ બહેનો દ્વારા સંચાલિત હતો ઈનામ વિતરણ પણ બહેનો ના હાથે સંપન્ન થયું હતું.

આ સમાચારને શેર કરો