પંજાબ માટે “આપ”ના રાજયસભાના ઉમેદવારો જાહેર: નરેશ પટેલનું નામ નહી

આગામી તા.31 ના રોજ યોજાનારી રાજયસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી પોતાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કરી લીધા છે અને લાંબા સમયથી ચર્ચામાં હતુ તેમ ગુજરાતમાંથી પાટીદાર નેતા અને ખોડલધામના અગ્રણી નરેશ પટેલને આમ આદમી પાર્ટી પોતાની સાથે લેવા માટે પંજાબમાંથી રાજયસભાના ઉમેદવાર બનાવશે.
પરંતુ આજે જાહેર થયેલા નામોમાં નરેશ પટેલનું નામ નહી હોવાથી આ ચર્ચા પર હાલ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને નરેશ પટેલ કયો રાજકીય ખેસ પહેરશે કે આપની ટોપી પહેરશે તેના પર સૌની નજર યથાવત રહી છે. બની શકે કે દરેક વખતે જેમ રાજકારણમાં એન્ટ્રીની જોરદાર ચર્ચા બાદ “ક્યાં ગયા તા કયાંય નહીં” જેવું પણ થાય…!
આપ દ્વારા પુર્વ ક્રિકેટર હરભજનસિંઘ, આમ આદમી પાર્ટીના પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈટીઆઈ દિલ્હીના પ્રોફેસર સંદીપ પાઠક ઉપરાંત લવલી પ્રોફેશનલ યુનિ.ના ચાન્સેલર અશોક મિતલ તથા કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક સંજીવ અરોરાનું નામ સામેલ છે.
છેલ્લે સુધી અરોરાના નામની ચર્ચા ન હતી. જયારે એ ચર્ચા સર્જાઈ હતી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું સ્થાન મજબૂત બનાવવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને રાજયસભામાં મોકલશે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબમાં સ્થાનિક નેતાઓને જ રાજયસભામાં મોકલવા માટે કેજરીવાલ પર દબાણ હતું અને તેથી તે સ્વીકારી લેવાયુ છે. હવે આમ આદમી પાર્ટી નરેશ પટેલને જો પક્ષમાં આવે તો શું હોદો આપે છે તેના પર નજર છે.
