ગુજરાતરાજકીય

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કિસાન મોરચા પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધુ

AAP Raju Karpada Resign: ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચા પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધુ છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણીને હવે બે વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો ગણી શકાય. રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે.

અત્રે જણાવવાનું કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાં એક સક્રિય નેતા હતા અને ખેડૂતોના મુદ્દાઓ પર તેઓ ખુબ ફોકસ કરતા હતા. રાજુ કરપડા 2022માં ચોટીલા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. ખેડૂતલક્ષી મુદ્દાઓનું તેઓ નેતૃત્વ કરતા હતા અને આમ આદમી પાર્ટીમાં પણ દિગ્ગજ નેતા તરીકે તેમની ગણતરી થતી હતી.

ક્યારે જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં
સુરેન્દ્રનગરના રાજકારણનો ચર્ચિત ચહેરો એવા રાજુ કરપડા વર્ષ 2021-22માં આપમાં જોડાયા હતા અને એક સક્રિય નેતા હતા. વિવિધ જવાબદારીઓ પણ તેઓ સંભાળતા હતા. અચાનક તેમણે રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં મોટો ઝટકો મળી શકે
આમ આદમી પાર્ટીના ગુજરાત ફતેહ કરવાના અભિયાનમાં સૌરાષ્ટ્ર અતિ મહત્વનું છે અને સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું પણ કહેવાય છે કે તેઓ ગોપાલ ઈટાલિયાથી નારાજ હતા. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં તમામ પદો અને જવાબદારીઓમાથી આજે તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ રાજીનામું આપે છે.

રાજીનામાં પાછળ શું કારણ?
રાજુ કરપડાએ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત કારણોના પગલે મારા માટે વર્તમાન જવાબદારીઓ નિભાવવી શક્ય તેમ નથી. પાર્ટીએ મને જે તક, સન્માન અને સહયોગ આપ્યો તેના માટે હુ હ્રદયપૂર્વક આભારી છું.

શું લખ્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં
પોતાના ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને કરપડાએ કહ્યું કે મિત્રો આજે હું આમ આદમી પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપું છું. મારો નિર્ણય તમને જરૂર ચોંકાવશે. મે પાર્ટીને મજબૂત બનાવવા માટે મારા પરિવારને ખાસ મહત્વ અને સમય આપ્યો છે. પરંતુ કુદરતે આ સાથ અહીં સુધી જ લખ્યો હતો. જો મે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું. હું આમ આદમી પાર્ટીના નેશનલ અને સ્ટેટ લીડરશીપની સાથે સાથે મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો હ્રદયપૂર્વક આભાર માનું છું. જેમણે મને ખુબ પ્રેમ આપ્યો.

આ સમાચારને શેર કરો