સૌરાષ્ટ્ર

જન્માષ્ટમીની મજા બગડશે: રાજકોટના લોકમેળાનો રંગ રાઈડ્સ વગર ફિકકો પડશે.

આકરી SOPના પગલે ખાનગી મેળાના આયોજન પણ આયોજકોએ પડતા મૂકયા

નિયમોમાં બાંધછોડ કરી રાઈડ્સ સંચાલકોને સમજાવવામાં તંત્ર નિષ્ફળ
આઈસ્ક્રીમના 11 વેપારીઓ દ્વારા હરરાજીનો બહિષ્કાર
લોકમેળાના 235માંથી 165 સ્ટોલની ફાળવણી: બાકીના 70 સ્ટોલ-પ્લોટના મુદ્દે સાંજે પ્રાંતની કલેકટર સાથે બેઠક

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના નગરજનો તમામ તહેવારો પોતાના આગવા અંદાજમાં ઉજવી રહ્યા છે. જેમાં જન્માષ્ટમી પ્રસંગે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાતો સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતો લોકમેળો એ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

રાજકોટ લોકમેળા અમલીકરણ સમીતી અને કલેકટર તંત્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી તા.24થી28 ઓગષ્ટ દરમ્યાન આ ભાતીગળ લોકમેળાનું રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવેલ હોય આ અંગેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકમેળાને માણવા માટે લાખોની જનમેદની ઉત્સુક હોય છે.

પરંતુ આ વખતે જન્માષ્ટમીની મજા બગડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામેલ છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 જેટલી માનવ જીંદગીનો ભોગ લેવાયા બાદ રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે લોકમેળાની એસઓપી કડક બનાવવામાં આવી છે જેમાં રાઈડ સંચાલકો માટે ફાઉન્ડેશન, એનડીટી રિપોર્ટ 16 રિપોર્ટ આવશ્યક બનાવી આ નિયમોનો કડકાઈથી અમલ કરાતા રાઈડ સંચાલકો દ્વારા લોકમેળાની હરરાજીમાં બહિષ્કાર કરી દેવામાં આવેલ છે. જેના પગલે રાઈડસ વગરના આ લોકમેળાનો રંગ હાલ ફીકકો પડી જવા પામેલ છે.

તેની સાથોસાથ આકરી એસઓપીના પગલે ખાનગી મેળાઓના આયોજન પણ આયોજકોએ પડતા મુકયા છે. ખાનગી મેળાના સંચાલકોએ આ વખતે મેળાની મંજુરી માંગતી એક પણ અરજી પોલીસ કમિશ્ર્નર કચેરીમાં કરી ન હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે અડધો ડઝન જેટલા ખાનગી મેળાના આયોજન અત્યાર સુધી થતા હતા પરંતુ આ વખતે એસઓપીના આકરા નિયમોની જોગવાઈના પગલે રાઈડસ સંચાલકો તેમજ ખાનગી મેળાના આયોજકોએ મેળા પરથી મોઢુ ફેરવી લીધુ છે.

કલેકટર તંત્ર દ્વારા આયોજીત લોકમેળામાં આ વખતે પ્લોટ સ્ટોલોની સંખ્યા ઘટાડીને 235 કરી દેવામાં આવી છે. જેમાં રમકડા અને ખાણીપીણી અને નાની ચકરડીના વેપારીઓના અત્યાર સુધીમાં 165 જેટલા સ્ટોલ-પ્લોટ કલેકટર તંત્ર દ્વારા ડ્રો અને હરરાજીથી ફાળવી દેવામાં આવેલ છે જયારે 70 સ્ટોલો-પ્લોટો આ વખતે રાઈડસ સંચાલકો અને આઈસ્ક્રીમના વેપારીઓ હરરાજીમાં ભાગ નહી લેતા આ સ્ટોલો ફાળવણી વગરના પડયા રહ્યા છે.

ત્યારે હવે આ 70 જેટલા સ્ટોલોના મુદે આજે સાંજના પ્રાંત-1 અધિકારી ચાંદનીબેન પરમારની કલેકટર પ્રભવ જોશી સાથે બેઠક યોજાનાર છે. બીજી તરફ રાઈડસ સંચાલકો એનડીટી રિપોર્ટ ફાઉન્ડેશન અને 16 રિપોર્ટ આ ત્રણ પ્રશ્ર્નોમાં છુટછાટ અપાય તો જ હરરાજીમાં ભાગ લેશે તેવુ જણાવવામાં આવેલ છે.

રાઈડસ સંચાલકોએ આ અંગે ગઈકાલે પણ પ્રાંત-1 અધિકારીને રજુઆત કરી હતી. રાઈડસ સંચાલકો એવુ જણાવી રહ્યા છે કે એનડીટી રિપોર્ટ અને ફાઉન્ડેશનમાં રૂા.દોઢ લાખ જેવો ખર્ચ થાય છે જે તેઓને પરવડે તેમ નથી. બીજી તરફ વહીવટીતંત્ર પણ એસઓપીમાં ફેરફાર કરવાના મૂડમાં નથી. ગઈકાલે યોજાયેલ હરરાજીમાં પણ રાઈડસ સંચાલકોને સમજાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. તેની સાથોસાથ આઈસ્ક્રીમના 11 વેપારીઓએ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો. જેના પગલે આ વખતે લોકમેળો રાઈડસ વગરનો રહે તેવા સંજોગોનું નિર્માણ થવા પામેલ છે.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના આ લોકમેળામાં પ્રતિવર્ષ 13થી14 લાખની જનમેદની મેળાને મહાલવા માટે ઉમટી પડે છે પરંતુ આ વખતે મોટી રાઈડસના અભાવે મેળાને મહાલવા આવનાર જનમેદનીની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શકયતા નકારાતી નથી.

આ સમાચારને શેર કરો