રાજકોટ: આજી જીઆઈડીસીમાં ધાડ પાડે તે પહેલાં જ વાંકાનેરની ગેંગ ઝડપાઈ

થોરાળા પોલીસે ઘાતક હથિયારો સાથે છ આરોપીઓને ઝડપી મોટી ઘટના ટાળી, રિમાન્ડ મેળવવા કાર્યવાહી

રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં કારખાનામાં ધાડ પાડવાની તૈયારીમાં આવેલી વાંકાનેરની છ સભ્યોની ગેંગને થોરાળા પોલીસે સમયસર ઝડપી લઈ મોટી ગંભીર ઘટના અટકાવી છે. પોલીસે આરોપીઓ પાસેથી છરી, મોટું કટર, લોખંડની કોસ, પાઈપ સહિત દિવાલમાં બાકોરું પાડી શકાય તેવા સાધનો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, થોરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જાગાણી, એએસઆઈ જયેશભાઈ નિમાવત, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, હિતેષભાઈ પરમાર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બપોરે આશરે 12:30 વાગ્યે 80 ફૂટ રોડ ટર્બો ગેટ નજીક આજી જીઆઈડીસી વિસ્તારમાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા ઉભી હોવાનું જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ઓટો રિક્ષામાંથી જાવીદ ઉર્ફે જાવલો સલીમ આમદ બુખારી, સાહિલ ઉર્ફે કુકો, દિનેશ ગેલા ચારોલીયા, અખતર ઉર્ફે ભુરો આમદ મકરાણી, સાહિલ મુસા માજોઠી, સુનીલ ઉર્ફે કટી ઉર્ફે કટીયો કાળુ બાબરીયા અને સાહિલ ઉર્ફે ટકો શબીરહુસૈન રફાઈ મળી આવ્યા હતા. તેમની પાસે રહેલી છરીઓ ઉપરાંત ઓટો રિક્ષામાંથી મોટું કટર, બે લોખંડની કોસ, પ્લાસ્ટિકનો પાઈપ, પાના પકડ, દોરી, વિવિધ લોખંડના પાના અને અન્ય સાધનો મળી આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ કડક પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ વાંકાનેરથી ઓટો રિક્ષામાં રાજકોટ આવ્યા હતા અને બુધવારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારખાનાઓ બંધ હોવાનો લાભ લઈને ધાડ પાડવાની તૈયારીમાં હતા. જોકે, કોઈ ગુનો આચરે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસે ઓટો રિક્ષા સહિત સમગ્ર મુદ્દામાલ કબ્જે કરીને તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય ગુનાઓ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

અગાઉ પણ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવણીની આશંકા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલા કેટલાક આરોપીઓ અગાઉ ચોરી, દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી કુવાડવા વિસ્તાર તેમજ કચ્છમાં થયેલી કેટલીક ચોરીની ઘટનાઓમાં પણ સંડોવાયેલી હોવાની માહિતી મળી રહી છે. આ અંગે વધુ વિગતો આરોપીઓના રિમાન્ડ દરમિયાન બહાર આવે તેવી શક્યતા હોવાનું પોલીસનું માનવું છે.

આ સમાચાર શેર કરો

Follow Us on