અમુલ અને ગોપાલ બ્રાન્ડના નકલી ઘી સપ્લાયનું રાજ્યવ્યાપી કૌભાંડમાં રાજકોટનો વેપારી પકડાયો
રાજકોટની રામાપીર ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તહેવાર ઉપર વેચવા મંગાવેલો રૂ.63 હજારની કીમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લઇ વેપારી લોહાણા શખ્સની ધરપકડ કરી તેની પાસેથી અમુલ અને ગોપાલ બ્રાન્ડના 500 એમએલના 271 ઘીના પાઉચ કબજે કર્યા છે. તેમજ આ મામલે અયોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પકડાયેલા વેપારીની પુછપરછમાં આ નકલી ઘી સપ્લાયનું નેટવર્ક સુરત અને પાલનપુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ લોહાણા શખ્સ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમુલ અને ગોપાલ બ્રાન્ડનું ઘી સપ્લાય કરતો હોવાનો પર્દાફાશ થયો છે.
રાજકોટમાં અમુલ અને ગોપાલ બ્રાન્ડનું ઘી વેચતો એક શખ્સ રામાપીર ચોક નજીકથી હોવાની બાતમીના આઘારે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટના વેપારી લોકમાન્ય તિલક આવાસ યોજના બ્લોક નં. સી/44માં રહેતા મોન્ટુ બીપીનભાઇ જોબનપુત્રા (ઉ.વ.37)નામના લોહાણા વેપારીની શંકાસ્પદ ઘીના જથ્થા સાથે ધરપકડ કરી તેની પાસેથી પોલીસે રૂ.63 હજારની કીમતના અમુલ અને ગોપાલ કંપનીની 500 એમએલ વાળા 271 પાઉચ કબ્જે કરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ દ્વારા પાઉચમાં રહેલા ઘીમાં ભેળસેળ છે કે નહીં અથવા ડુપ્લીકેટ બનાવટવાળું છે કે કેમ? તે અંગે વધુ તપાસ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાને જાણ કરી ઉપરોક્ત પાઉચના નમૂનાઓ લેવડાવવામાં આવ્યાં છે. પોલીસે કબ્જે કરવામાં આવેલ અમૂલ તથા ગોપાલ કંપનીના છે કે કેમ? તે દિશામાં પણ આગળ તપાસ હાથ ધરવામાં આવેલ છે.પ્રાથમિક તપાસમાં આ બન્ને નામાંકીંત બ્રાંડના પાઉંચમાં નકલી ઘી હોવાની મોન્ટુએ કબુલાત આપી હતી. પોલીસે કરેલી પુછપરછમાં જાણવા મળ્યું કે મોન્ટુને તેના એક મિત્રની મદદ થી સુરતના મહેશ નામના વ્યક્તિ સાથે ઓળખાળ કરાવી હતી જે નકલી ઘી આપતો હોય મોન્ટુએ અમુલ અને ગોપાલ બ્રાન્ડનું ઘી સુરતના મહેશ પાસે થી મંગાવ્યું હતું જે ઘી એસ,ટીના પાર્સલ મારફતે આવતું હતું જે બાબતે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવતા આ પાર્સલ પાલનપુરથી આવતા હોવાનું જાણવા મળ્યું છે.
મોન્ટુને એક પાર્સલ દીઠ 100 થી 150 રૂપિયા નફો મળતો હોય તે સુરતના મહેશ મારફતે અમુલ અને ગોપાલ બ્રાન્ડનું નકલી ઘી મંગાવી તે સૌરાષ્ટ્રમાં મોરબી,વાંકાનેર, પડધરી સહિતના ગામ અને શહેરમાં સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે. અમુલ અને ગોપાલ બ્રાન્ડનું નકલી ઘી ના સ્પલાયનું કૌભાડ સૌરાષ્ટ્ર વ્યાપી હોવાનો ભાંડો ફૂટ્યો છે. અમુલ અને ગોપાલ બ્રાન્ડના પાઉંચ માં નકલી ઘી ના નેટવર્કને શોધવા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.છેલ્લા એક માસથી મોન્ટુ સૌરાષ્ટ્રમાં આ નકલી ઘી સપ્લાયનું નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી સાથે પીએસઆઈ એમ.એમ.ઝાલા, હેડ કોન્સટેબલ ધીરેનભાઇ માલકિયા, કોન્સટેબલ મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, જગદીશભાઇ વાંક, સંજયભાઇ ચાવડા, કીર્તિસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.